T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશની મેચો શ્રીલંકા શિફ્ટ થશે? ICC બનાવી રહ્યું છે નવું શેડ્યૂલ

દુબઈ: ભારતમાં બાંગ્લાદેશના ક્રિકેટરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાને ટીમને ભારત મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને બાંગ્લાદેશની તમામ મેચોને શ્રીલંકામાં શિફ્ટ કરવા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને વિનંતી કરી છે. એવામાં અહેવાલ છે કે ICC એક નવું શેડ્યૂલ બનાવી રહી છે.
નોંધનીય છે કે હાલમાં બાંગ્લાદેશમાં થઇ રહેલી રાજકીય હિંસામાં હિંદુ સમુદાયના કેટલાક લોકોને નિશાન બનવવામાં આવી રહ્યા છે, જેને કારણે ભારતીયોમાં રોષની લાગણી છે. લોકોના વિરોધ બાદ તાજેતરમાં IPLમાંથી બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યાર બાદ BCBએ ભારતમાં બાંગ્લાદેશી ક્રિકેટરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. BCBએ બાંગ્લાદેશની તમામ મેચો ભારતથી શ્રીલંકા ખસેડવા માટે ICCને સત્તાવાર અરજી કરી હતી.
સ્ટે અને ટ્રાવેલમાં ફેરફાર:
ટુર્નામેન્ટ શરુ થવાને આડે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ICC અને ચેરમેન જય શાહ સામે એક મોટો પડકાર આવીને ઉભો છે. બાંગ્લાદેશને ગ્રુપ-Cમાં રાખવામાં આવ્યું છે, મૂળ શેડ્યુલ મુજબ લિગ સ્ટેજમાં બાંગ્લાદેશની ચાર મેચમાંથી ત્રણ મેચ કોલકાતામાં રાખવામાં આવી છે, જે સરહદની નજીક છે.
અહેવાલ મુજબ, BCBની વિનંતીને ધ્યાનમાં રાખીને ICCએ નવું શેડ્યુલ બનાવવા કામગીરી શરુ કરી છે. બાંગ્લાદેશ અને તેની મેચ રમનારી ટીમોના સ્ટે અને ટ્રાવેલમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
આ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે BCBએ ગઈ કાલે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, લિટન દાસને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.



