વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય PCBને ભારે પડશે! જાણો ICCએ શું કહ્યું

દુબઈ: લાંબો સમય ચાલેલી અટકળો બાદ પાકિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં રમવા અંગે નિર્ણય લઇ લીધો છે. પાકિસ્તા ક્રિકેટ બોર્ડ(PCB)એ રવિવારે જાહેરાત કરી હતી કે તેમની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે પણ, ગ્રુપ સ્ટેજમાં ભારત સામે 15 ફેબ્રુઆરીએ આયોજિત મેચનો બહિષ્કાર કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ PCBના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.
ICC એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે PCBનો નિર્ણય વૈશ્વિક ક્રિકેટની અખંડિતતાને નુકશાન પહોંચાડે છે, જેની ક્રિકેટ પર લાંબા ગાળાની અસરો પાડી શકે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે PCB તેમના આ નિર્ણય અંગે ICC ને હજુ સુધી કોઈ સત્તાવાર મેસેજ આપ્યો નથી. ICCએ PCB ને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી પણ કરી હતી.
રમતની ભાવનાને ઠેસ પહોંચી:
ICCએ નિવેદનમાં જણાવ્યું, ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ક્વોલિફાય થયેલી તમામ ટીમો ઇવેન્ટ શેડ્યૂલ અનુસાર સમાન શરતો પર સ્પર્ધા કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે પસંદગી પ્રમાણે ભાગીદારીની આ સ્થિતિ મૂળભૂત સિદ્ધાંત સાથે મેળ ખાતી નથી. ICC ટુર્નામેન્ટ રમતગમતની ઇન્ટિગ્રીટી, કોમ્પિટિટિવનેસ, કન્સીસ્ટન્સી અને ફેરનેસને આધારે આયોજિત કરવામાં આવે છે, ત્યારે પસંદગી પ્રમાણે ભાગીદારી આવી સ્પર્ધાઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.
પાકિસ્તાનમાં ક્રિકેટને અસર થશે!
ICCએ PCBને વધુ એક વાર વિચાર કરવાની વિનંતી કરતા જણાવ્યું કે ICC રાષ્ટ્રીય નીતિના મામલામાં સરકારોની ભૂમિકાનું સન્માન કરે છે, પણ આ નિર્ણય ગ્લોબલ સ્પોર્ટ્સના હિતમાં નથી અને પાકિસ્તાનના લાખો ક્રિકેટ ચાહકો સહિત વિશ્વભરના ચાહકો માટે યોગ્ય નથી. ICC ને આશા છે કે PCB પાકિસ્તાનમાં ક્રિકેટ પર મહત્વપૂર્ણ અને લાંબા ગાળાની અસરો પર વિચાર કરશે.
પાકિસ્તાનને પોઈન્ટ્સ ગુમાવવા પડશે:
નોંધનીય છે કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના મૂળ શેડ્યુલ મુજબ પાકિસ્તાન ટુર્નામેન્ટની ટીમના ગ્રુપ Aમાં ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની ટીમો સાથે રાખવામાં આવી છે.
પાકિસ્તાનની તમામ મેચ શ્રીલંકા સામે રમાશે. ટુર્નામેન્ટ પાકિસ્તાન પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમશે, ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ યુએસએ અને 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે રમશે.
પાકિસ્તાને ભારત સામેની 15 ફેબ્રુઆરીના રોજ આયોજીયત મેચનો બહિષ્કાર કર્યો છે, પાકિસ્તાનને બે પોઈન્ટ ગુમાવવા પડશે. આઈસીસીની પોલીસી મુજબ પાકિસ્તાનનો નેટ રન રેટમાં પણ નુકશાન થઇ શકે છે.



