આઇસીસીએ થર્ડ અમ્પાયરને કઈ જવાબદારીમાંથી કર્યા મુક્ત?
અગાઉના વર્ષોમાં ટીવી અમ્પાયર એટલે કે થર્ડ અમ્પાયર જેવું કંઈ હતું જ નહીં એમ છતાં ઑન-ફીલ્ડ અમ્પાયરોના મોટા ભાગના નિર્ણયો સાચા જ રહેતા હતા અને ભાગ્યે જ કોઈક ડિસિઝન પર વિવાદ થતો હતો. થર્ડ અમ્પાયરની પ્રથા આવી ત્યારથી મેદાન પરના અમ્પાયરો પરનો બોજ થોડો હળવો થઈ ગયો. જુઓને, હવે તો થર્ડ અમ્પાયર પર પણ ભાર વધી ગયો છે. એટલે જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ એક મોટો ફેરફાર કર્યો છે.
હવેથી જ્યારે પણ ઑન-ફીલ્ડ અમ્પાયરો સ્ટમ્પિંગને લગતી અપીલ પર નિર્ણય આપવા થર્ડ અમ્પાયરની મદદ લેશે ત્યારે થર્ડ અમ્પાયર કૉટ-બિહાઇન્ડ વિશે કંઈ જ ચકાસણી નહીં કરે.
નિયમમાં આ ફેરફાર 2023ની 12મી ડિેસેમ્બરે કરવામાં આવ્યો હતો અને હવે જો વિકેટકીપરે બેલ્સ ઉડાડી હશે ત્યારે જો તેની ટીમ કૉટ બિહાઇન્ડ છે નહીં એ પણ જાણવા માગતી હશે તો એ ટીમે ડીઆરએસ મારફત અલગથી અપીલ કરવી પડશે. હવે પછી સ્ટમ્પિંગને લગતી અપીલ વખતે સાઇડ-કૅમેરા પરથી માત્ર ઇમેજિસ બતાવવામાં આવશે.
આઇસીસીએ કંકશન (પ્લેયરને માથામાં થતી ઈજા) સંદર્ભમાં પણ એક ફેરફાર કર્યો છે. જો કોઈ પ્લેયરને બોલિંગ દરમ્યાન માથામાં ઈજા થાય અને તે મેદાન પરથી જતો રહે તો તેના સ્થાને રમવા આવનાર સબસ્ટિટ્યૂટ તેની બદલીમાં બોલિંગ નહીં કરી શકે.
આઇસીસીએ મેદાન પર ખેલાડીને થતી ઈજાની ચકાસણી અને સારવાર સંબંધમાં પણ ચાર મિનિટનો મર્યાદિત સમય નક્કી કર્યો છે.