સ્પોર્ટસ

ICCનો બાંગ્લાદેશને જોરદાર ઝટકો! T20 વર્લ્ડની મેચ શ્રીલંકા ખસેડવા મામલે કર્યો આવો નિર્ણય…

દુબઈ: જય શાહની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને મોટો ઝટકો આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં બાંગ્લાદેશની ટીમની તમામ મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની BCBની વિનંતી નકારી કાઢવામાં આવી છે. BCB ને ચેતવણી આપવામાં આવી છે.

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરતા BCBએ ભારતમાં બાંગ્લાદેશની ટીમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની ટીમ ભારતમાં મોકલવાનો ઇનકાર કર્યો હતો. BCBએ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવા ICCને વિનંતી કરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ICCએ આ વિનંતી નકારી કાઢી છે.

ICCએ BCBને ચેતવણી આપી:
નોંધનીય છે કે ICCએ આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે એક વર્ચ્યુઅલ કોલ મારફતે એક મિટિંગ યોજવામાં આવી હતી. આ દરમિયાન ICC એ BCB ને કહ્યું કે સુરક્ષા કારણોસર બાંગ્લાદેશની મેચ શ્રીલંકામાં ખસેડવાની તમની વિનંતીને મંજુર થઇ શકે એમ નથી.

અહેવાલ મુજબ ICC એ BCB ને ચેતવણી પણ આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ ICCએ BCBને જણાવ્યું કે બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં રમવા બંધાયેલી છે, જો BCB પોતાની ટીમ ભારત નહીં મોકલે તો, ફોરફેઈટ પોઈન્ટ ગુમાવશે.

આ પણ વાંચો…મેબર્સ સાથે ચર્ચા વગર જ BCCIએ મુસ્તફિઝુરને IPLમાંથી હટાવ્યો! અહેવાલમાં ઘટસ્ફોટ

બાંગ્લાદેશની કોલકાતા અને મુંબઈમાં મેચ:
ICC મેન્સ T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાની સંયુક્ત અજમાની હેઠળ રમાવાનો છે, જે 7 ફેબ્રુઆરી શરુ થશે અને 8 માર્ચના રોજ ફાઈનલ મેચ રમાશે. બાંગ્લાદેશની ટીમને ગ્રુપ Cમાં રાખવામાં આવી છે. મૂળ શેડ્યુલમુજબ લિગ સ્ટેજમાં બાંગ્લાદેશ કોલકાતામાં ત્રણ મેચ અને મુંબઈમાં એક મેચ રમશે.

બાંગ્લાદેશ 7 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે , 9 ફેબ્રુઆરીના રોજ ઇટાલી સામે અને 14 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં મેચ રમશે, ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ નેપાળ સામે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button