આઇસીસીના આ પ્લાનથી પાકિસ્તાનને લાગશે 440 વૉટનો ઝટકો! છીનવાઈ શકે ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ!
દુબઈ: 2025ની સાલમાં નક્કી થયા મુજબ પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે કે નહીં? આઇસીસીએ શું યોજના ઘડી છે અને કોને યજમાનપદ મળી શકે એની વિગત જાણી લો….
પાકિસ્તાન અત્યાર સુધી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લગતા મોટા-મોટા દાવા કરી રહ્યું હતું. જોકે એક નવો અહેવાલ સામે આવ્યો છે કે આઇસીસી આ સ્પર્ધાનું યજમાનપદ પાકિસ્તાન પાસેથી છીનવીને બીજા કોઈ દેશને સોંપી શકે એમ છે. આ આયોજન દુબઈ, સાઉથ આફ્રિકા અથવા શ્રીલંકાને સોંપાશે એવી સંભાવના છે. આઇસીસી પાસે આ વિકલ્પ ખુલ્લો છે.
આઇસીસી પાસે અત્યારે મુખ્ય ત્રણ વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે આખી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રાખવી. બીજો ઑપ્શન એ છે કે હાઇબ્રિડ મૉડલ મુજબ ટૂર્નામેન્ટ રાખી શકાય. એમાં ભારતની મૅચો પાકિસ્તાન સિવાયના કોઈ દેશમાં રાખી શકાય. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બીજો વિકલ્પ સ્વીકારવા તૈયાર નથી. ત્રીજો વિકલ્પ એ છે કે આખી ટૂર્નામેન્ટ પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશમાં રાખી દેવી અને એ સંદર્ભમાં યુએઇ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના નામ સૌથી આગળ છે.
આ પણ વાંચો : ભારતનો આ સ્ટાર બોલર રૅન્કિંગમાં આઠ ક્રમની છલાંગ સાથે આઠમા સ્થાને આવી ગયો!
આખી ટૂર્નામેન્ટ જો પાકિસ્તાનમાં રાખવામાં આવે તો ભારતની એમાંથી બાદબાકી થઈ શકે. બીજી રીતે કહીએ તો ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં જ મોકલે એટલે ભારતની મૅચો અન્ય કોઈ દેશમાં રાખવી પડે. પાકિસ્તાન આ હાઇબ્રિડ મૉડલ માટે રાજી તો નથી, પણ એણે મને કમને એ વિકલ્પ સ્વીકારવો જ પડશે. નહીં તો, આઇસીસી આખી ટૂર્નામેન્ટનું યજમાનપદ એની પાસેથી છીનવીને અન્ય કોઈ દેશને આપી દેશે.
ટૂંકમાં, ભારત વિનાની ચૅમ્પિયન્સ ટ્રોફી અર્થ વગરની થઈ જશે એટલે આઇસીસી બીજો અથવા ત્રીજો વિકલ્પ અપનાવવા પર જ ભાર મૂકશે.