સ્પિનર મહારાજ ત્રણ વિકેટ લઈને ત્રીજા નંબર પરથી ફરી મોખરેઃ કુલદીપ-થીકશાનાને નુકસાન

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા વન-ડે ફૉર્મેટના બોલર્સના રૅન્કિંગમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને શ્રીલંકાના સ્પિનર માહીશ થીકશાના (Theekshana)ને નુકસાન થયું છે, જ્યારે ભારતીય મૂળના સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજ (Keshav Maharaj)ને સૌથી મોટો ફાયદો થયો છે.
લેફ્ટ-આર્મ સ્પિનર કેશવ મહારાજે મંગળવારે કેર્ન્સમાં ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની પ્રથમ વન-ડે (ODI)માં 33 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જેને લીધે તેને ત્રીજા ક્રમેથી પ્રથમ નંબરે આવવા મળ્યું છે.
આપણ વાંચો: IPLની મેચ પહેલા કેશવ મહારાજ ‘આ’ કારણે ફરી આવ્યો ચર્ચામાં
મહારાજના આ પર્ફોર્મન્સની મદદથી સાઉથ આફ્રિકાએ કાંગારૂઓને 98 રનથી હરાવી દીધા હતા. અગાઉના લિસ્ટમાં થીકશાના પ્રથમ નંબરે, કુલદીપ બીજા નંબરે અને મહારાજ ત્રીજા નંબરે હતો. જોકે ટૉપ-થ્રીમાં મોટી ઉલટફેર થઈ છે. મહારાજ અવ્વલ સ્થાને આવી ગયો છે, થીકશાના મોખરાના સ્થાનેથી બીજા નંબરે ધકેલાયો છે અને કુલદીપ ત્રીજા ક્રમે ઊતર્યો છે.
ખરેખર તો ભારતીય ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી પછી એક પણ વન-ડે નથી રમી એટલે કુલદીપને પોતાના પૉઇન્ટ્સમાં સુધારો કરવાનો મોકો નથી મળ્યો. મહારાજના નામે 687 પૉઇન્ટ, થીકશાનાના નામે 671 અને કુલદીપના નામે 650 પૉઇન્ટ છે. નામિબિયાનો સ્પિનર બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ 644 પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશીદ ખાન 640 પૉઇન્ટ સાથે પાંચમે છે.
ટૂંકમાં, વન-ડે બોલર્સમાં ટોચના પાંચેય સ્થાને સ્પિનર છે. છઠ્ઠા નંબરે પણ સ્પિનર છે. ન્યૂ ઝીલૅન્ડનો મિચલ સૅન્ટનર 637 પૉઇન્ટ સાથે છઠ્ઠે છે. અપડેટ કરવામાં આવેલા લિસ્ટમાં ટૉપ-ટેનમાં કુલદીપ ઉપરાંત રવીન્દ્ર જાડેજા બીજો એકમાત્ર ભારતીય ખેલાડી છે.
વન-ડેના બૅટ્સમેનમાં ભારતનો શુભમન ગિલ 784 રેટિંગ પૉઇન્ટ સાથે નંબર-વન છે.