ICC ODI રેન્કિંગમાં મોટી ઉથલપાથલ: રોહિત શર્માને પછાડીને આ ખેલાડી બન્યો નંબર-1 બેટર

મુંબઈ: આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI બેટિંગ રેન્કિંગમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર રોહિત શર્માને ઝટકો લાગ્યો છે. લાંબા સમય સુધી નંબર વનના સ્થાન પર રહ્યા બાદ તે બીજા સ્થાને સરકી ગયો છે. ન્યુઝીલેન્ડનો બેટર ડેરિલ મિશેલ પહેલા નંબરે આવી ગયો છે. પાકિસ્તાનના બાબર આઝમને પણ ફાયદો થયો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ODI સિરીઝની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડનો બેટર ડેરિલ મિશેલે 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેનો તેને ફાયદો થયો છે. નવી ICC ODI રેન્કિંગમાં ડેરિલ મિશેલ બે સ્થાન ઉપર આવીને ટોચના સ્થાને પહોંચ્યો છે. ડેરિલ મિશેલનું રેટિંગ 782 છે. મિશેલ પહેલીવાર ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યો છે.
રોહિત શર્મા ફરી પહેલા ક્રમે પહોંચવાની તક:
ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્મા બીજા સ્થાને સરકી ગયો છે, તેનું રેટિંગ 781 છે, આમ ડેરિલ મિશેલ અને રોહિત શર્મા વચ્ચે માત્ર એક પોઈન્ટનો તફાવત છે. ભારતને દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ત્રણ ODI મેચની સિરીઝ રમાવાની છે, રોહિત પાસે ફરી પહેલા નંબર પર આવવાની તક હશે.
અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન પણ એક સ્થાન નીચે આવીને ત્રીજા સ્થાને આવી ગયો છે, તેનું રેટિંગ 764 છે. ભારતનો શુભમન ગિલ ચોથા અને વિરાટ કોહલી પાંચમા સ્થાને છે.
પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 622 ના રેટિંગ સાથે 6ઠ્ઠા ક્રમે છે. આયર્લેન્ડના હેરી ટ્રેક્ટરને પણ એક સ્થાનનો ફાયદો થયો છે, તે 708 ના રેટિંગ સાથે 7મા ક્રમે છે.
ભારતીય ટીમનો શ્રેયસ ઐયર 700 ના રેટિંગ સાથે 8મા ક્રમે છે. શ્રીલંકાના ચરિથ અસલંકાને ત્રણ સ્થાનનું નુકશાન થયું છે, તે 9મા ક્રમે આવી ગયો છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝનો શાઈ હોપ 10મા ક્રમે યથાવત છે.
આપણ વાંચો: રવિવારે ભારત-પાકિસ્તાન મુકાબલાની સંભાવના, બીજી ટ્રોફીનો પણ વિવાદ થઈ શકે



