ક્રીઝમાં બૅટરની છેલ્લી ઘડીની મૂવમેન્ટના `નખરાં’ પર કાબૂ આવશે, બોલરને વાઇડ બૉલ વિશે મોટી છૂટ અપાશે
દુબઈઃ સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ શૉન પોલૉકે કહ્યું છે કે વાઇડ બૉલની બાબતમાં હાલનો નિયમ ખૂબ કડક લાગી રહ્યો છે એટલે આઇસીસી વાઇડ બૉલ સંબંધમાં બોલરને થોડી છૂટછાટ આપવાની દિશામાં આગળ વધી રહી છે. બોલર બૉલ ફેંકે એ પહેલાંની બૅટરની છેલ્લી ઘડીની ઓચિંતી મૂવમેન્ટને કારણે આઇસીસી નિયમમાં આ ફેરફાર કરવા વિચારે છે. બોલરને પૂરો અધિકાર હોવો જોઈએ કે તે રન-અપ પર જ નક્કી કરી શકે કે પોતે કેવા પ્રકારનો બૉલ ફેંકવાનો છે.'
આ પણ વાંચો: બર્થ-ડે બૉય દ્રવિડ કેમ ધ વૉલ’ અને મિસ્ટર ડિપેન્ડેબલ’ કહેવાતો એના આ રહ્યા પાંચ કારણ…
વન-ડે તથા ટી-20 મૅચમાં ઘણી વાર બોલરને લાઇન ઍન્ડ લેન્થમાં ખલેલ પહોંચાડવા બૅટર અક્રૉસ ધ ક્રીઝ છેલ્લી ઘડીએ ઓચિંતી મૂવમેન્ટ કરતો હોય છે. આનાથી ક્યારેક બોલરથી વાઇડ બૉલ પડી જતો હોય છે. પીટીઆઇના અહેવાલ મુજબ પોલૉકે એસએ20 સ્પર્ધા દરમ્યાન કહ્યું છે કે
હું આઇસીસી ક્રિકેટ કમિટીનો મેમ્બર છું. અમારી આ સમિતિ વાઇડની બાબતમાં બોલરને થોડી છૂટ આપવા વિચારે છે. મારું એવું માનવું છે કે રન-અપની શરૂઆતમાં બોલરને નક્કી કરવાનો હક છે કે તેણે બૉલ ક્યાં ફેંકવાનો છે. જોકે તે બૉલ ફેંકવાની તૈયારીમાં હોય એ પહેલાં છેલ્લી ક્ષણે બૅટર અક્રોસ ધ ક્રીઝ જમ્પ મારે તો બોલરે જે પ્રકારનો બૉલ ફેંકવાનું નક્કી કર્યું હોય એના અમલમાં તેને ખલેલ પહોંચે અને તેનાથી વાઇડ બૉલ પડી જાય.’
51 વર્ષના પોલૉકે એવું પણ કહ્યું હતું કે `હું ઇચ્છું છું કે બોલરને રન-અપ પર જ એ નક્કી કરવાનો અધિકાર છે કે તેણે શા માટે કેવા પ્રકારનો બૉલ ફેંકવાનો છે. બોલર બૉલ ફેંકવા આવે ત્યારે છેલ્લી ઘડીએ પોતાની રણનીતિ બદલે એવી અપેક્ષા તેની પાસેથી કેવી રીતે રાખી શકાય? પોતે ક્યાં અને કેવો બૉલ ફેંકવાનો છે એ તેના મનમાં પહેલાથી સ્પષ્ટ હોવું જરૂરી છે અને એ નક્કી કરવાનો હક તેને મળવો જોઈએ. આ મુખ્ય મુદ્દો છે જેના પર અમે ચર્ચા કરી રહ્યા છીએ.’