મેન્સ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપ પહેલી વાર આ દેશમાં યોજવાની આઈસીસીની જાહેરાત
દુબઇઃ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટવેન્ટી-ટવેન્ટી મેચ લોકપ્રિય બની રહી છે ત્યારે આગામી વર્ષે અમેરિકામાં પહેલી વખત 20-20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાડવામાં આવશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બુધવારે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ના અમેરિકાના તબક્કા માટે ત્રણ સ્થળ તરીકે ન્યૂ યોર્ક, ડલ્લાસ અને ફ્લોરિડાના નામની પુષ્ટી કરી છે. અમેરિકામાં બ્રોવાર્ડ કાઉન્ટી (ફ્લોરિડા), ગ્રેન્ડ પ્રેરી (ડલ્લાસ) અને આઇસેનહાવર પાર્ક (ન્યૂયોર્ક) ટી-20 વર્લ્ડકપની મેચોની યજમાની કરશે. આ પ્રથમ વખત છે કે અમેરિકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વર્લ્ડકપના સહ-યજમાન તરીકે વેસ્ટ ઇન્ડિઝ છે.
આઈસીસીએ 2021માં અમેરિકાને સ્પર્ધાનું આયોજન સોંપ્યું હતું. આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ અલાર્ડિસે જણાવ્યું હતું કે આ સ્થળોની પસંદગી વિગતવાર મૂલ્યાંકન પ્રક્રિયા પછી કરવામાં આવી છે.
અમે અત્યાર સુધીની સૌથી મોટી આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપના એક તબક્કાની યજમાની કરવા માટે અમેરિકામાં ત્રણ સ્થળોની જાહેરાત કરતા આનંદ અનુભવીએ છીએ, જેમાં 20 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે.
અમે દેશભરમાં સંખ્યાબંધ સંભવિત સ્થળોને ધ્યાનમાં લીધા છે અને સંબંધિત યજમાનો વચ્ચેના રોમાંચને લઈને અત્યંત ઉત્સાહિત છીએ. ફ્લોરિડા અને ડલ્લાસમાં હાલના સ્થળોને વિસ્તારવામાં આવશે જેથી વધુ દર્શકો અને મીડિયાને સમાવવી શકાય.
ટૂર્નામેન્ટ પહેલા મેચો અને ટ્રેનિંગ માટે અમેરિકામાં થોડા વધુ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેમાં એમએલસી ટીમ વોશિંગ્ટન ફ્રીડમનું સ્થાનિક મેદાન જ્યોર્જ મેસન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આઇસીસીની આ જાહેરાત સાથે ટી-20 વર્લ્ડ કપ 2024ની અમેરિકાની યજમાનીને લઈને અનિશ્ચિતતાના વાદળો પણ દૂર થઈ ગયા છે. સ્ટેડિયમોની તૈયારીઓને લઈને શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, એમ આઈસીસીએ જણાવ્યું હતું.