સ્પોર્ટસ

બન્ને ઇનિંગ્સના સેન્ચુરિયન રિષભ પંતને શા માટે ઠપકો મળ્યો?

લીડ્સઃ અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ (TEST)માં રવિવારના ત્રીજા દિવસે અમ્પાયરના નિર્ણય વિશે નારાજગી (DISSENT) બતાવવા બદલ આઇસીસીના મૅચ રેફરી રિચી રિચર્ડસને વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT)ને ઠપકો આપ્યો છે. એ ઉપરાંત, પંતના શિસ્ત સંબંધિત રેકૉર્ડમાં એક ડીમેરિટ પૉઇન્ટ (DEMERIT POINT) પણ ઉમેરવામાં આવ્યો હતો.

ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં 61મી ઓવર દરમ્યાન હૅરી બ્રૂક અને બેન સ્ટૉક્સ બૅટિંગમાં હતા ત્યારે એક તબક્કે પંત બૉલની સ્થિતિ વિશે અમ્પાયરો (ક્રિસ ગૅફની, પૉલ રાયફલ) સાથે ચર્ચા કરી રહેલો જોવા મળ્યો હતો. અમ્પાયરોએ બૉલ તપાસ્યા પછી એ બદલવાની ના પાડી ત્યારે પંતે આક્રોશમાં અમ્પાયરોની સામે મેદાન પર બૉલ પછાડીને ગંભીર નારાજગી બતાવી હતી.

પંતે પહેલા દાવમાં 134 રન અને બીજા દાવમાં 118 રન કર્યા હતા. પંત સામે આ ગેરશિસ્ત બદલ પગલાં ભરાશે એવી સંભાવના હતી, પરંતુ મૅચ રેફરીએ બોલાવ્યા બાદ પંતે પોતાની ભૂલ કબૂલ કરી એટલે તેને માત્ર ઠપકો આપીને તેમ જ ફરી આવું ન કરવાની ચેતવણી આપીને જવા દેવામાં આવ્યો હતો.

પંતની વિરુદ્ધમાં મેદાન પરના બન્ને અમ્પાયરો તેમ જ થર્ડ અમ્પાયર શરફુદૌલા શાહીદ અને ફૉર્થ અમ્પાયર માઇક બર્ન્સ સહિત ચારેય અમ્પાયરોએ મૅચ રેફરીને ફરિયાદ કરી હતી. પંતની આ કસૂરને આઇસીસીની આચાર સહિતા હેઠળ લેવલ-1 પ્રકારની ગેરશિસ્ત ગણવામાં આવી હતી. આ ભૂલ બદલ ખેલાડીને સત્તાવાર રીતે ઠપકો અપાય છે અથવા તેની 50 ટકા મૅચ ફી કાપી લેવાય છે અને તેના નામે એક યા બે ડીમેરિટ પૉઇન્ટ લખવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button