કોહલીના શરીરને નિશાન બનાવજો…ઇયાન હિલીએ કેમ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને આવી સલાહ આપી?

સિડનીઃ ભારતની ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટને આડે માંડ બે દિવસ છે ત્યારે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓની માઇન્ડ-ગેમ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઇયાન હિલીએ ભારત સામે રમનાર પોતાના દેશના ફાસ્ટ બોલર્સને ખાસ કરીને વિરાટ કોહલીને લક્ષ્યાંક બનાવવાની સલાહ આપી છે. એમાં પણ તેણે ખાસ કરીને એવું કહ્યું છે કે તમે કોહલીના ફ્રન્ટ પૅડને અને શરીરને નિશાન બનાવજો કે જેથી કરીને તે બૅક-ફૂટ પર જશે.' ઇયાન હિલીએ પૅટ કમિન્સ ઍન્ડ કંપનીને કહ્યું છે કે
તમે ભારતીય બૅટર્સ સામે અને વિશેષ કરીને કોહલી સામે દરેક પ્રકારનો વ્યૂહ અપનાવજો. કોહલી પર તમે શૉર્ટ-પિચ બૉલનો મારો ચલાવજો.’
કોહલી હાલમાં ખરાબ ફૉર્મમાં છે. છેલ્લી 60 ટેસ્ટ ઇનિંગ્સમાં તેની માત્ર બે સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી છે. એક સમય હતો જ્યારે ત્રણ બૅટર્સ (સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન અને જૉ રૂટ)ની સરખામણીમાં કોહલી સર્વશ્રેષ્ઠ મનાતો હતો.
બાવીસમી નવેમ્બરે શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ રમાશે. ઑસ્ટ્રેલિયામાં કોહલીનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે. કાંગારૂઓની ધરતી પર તેની 54.00ની બૅટિંગ-ઍવરેજ છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો
ઇયાન હિલીએ કૅપ્ટન કમિન્સ ઉપરાંત જૉશ હૅઝલવૂડ અને મિચલ સ્ટાર્કને સલાહ આપી છે કે `તમારે કોહલીના ફ્રન્ટ-પૅડને વારંવાર લક્ષ્યાંક બનાવવું જોઈએ. ફ્રન્ટ-ફૂટ પરથી તે બૉલને મેદાન પર ક્યાંય પણ મોકલી શકે છે. તે ઑફ-સાઇડ તરફ સ્ક્વેર રમી શકે છે, લેગ-સાઇડ પર પણ જોરદાર ફટકો મારી શકે છે. જોકે તેના ફ્રન્ટ ફૂટને ટાર્ગેટ બનાવશો તો તે વિકેટ ગુમાવી શકે છે. હા, વારંવાર ફ્રન્ટ ફૂટને નિશાન બનાવશો તો એવા બૉલમાં તેને ફટકો લગાવવાની આદત પડી જશે. જો આ ઉપાય કારગત ન નીવડે તો તેની બૉડીને જ નિશાન બનાવજો. તે શૉર્ટ બૉલમાં હૂક કે પુલ શૉટ પણ ફટકારવાનું વધુ પસંદ કરશે એટલે એમાં તમને તેની વિકેટ મળી શકશે.’