ICC વર્લ્ડકપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે રવિવારે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડકપમાંથી બહાર થવાનું સ્પષ્ટ થયા બાદ હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વર્લ્ડ કપમાંથી બહાર થવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. હાર્દિકે કહ્યું કે તે ટીમની સાથે જ રહેશે અને તેમણે પ્રોત્સાહિત કરશે. ભારતે લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. ભારતીય ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
હાર્દિક પંડ્યા લખ્યું- વર્લ્ડ કપના બાકીની મેચમાં હું નહીં રમી શકું એ વાત પચાવવી મુશ્કેલ છે. હું જુસ્સાથી ટીમની સાથે રહીશ અને દરેક મેચના દરેક બોલ પર તેમને પ્રોત્સાહિત કરીશ. તમામને શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન માટે આભાર. આ ટીમ ખાસ છે અને મને ખાતરી છે કે અમે દરેકને ગૌરવ અપાવીશું. તમને સૌને પ્રેમ.
બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિકે લિટન દાસે રમેલો બોલ જમણા પગથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ડાબો પગ વળી ગયો હતો. થોડી જ વારમાં ફિઝિયોને મેદાનમાં બોલાવવામાં આવ્યો. હાર્દિક ફરી બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલ ફેંકી શક્યો નહીં. ત્યાર બાદ કેપ્ટન રોહિતે હાર્દિકને મેદાનની બહાર મોકલી દીધો હતો. ત્યાર બાદ તેની બેગલુંરુંમાં સારવાર ચાલી રહી છે. આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ ચાર મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઈકોનોમી રેટ 6.84 રહી હતી, તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 34 રનમાં 2 વિકેટ રહ્યું હતું. આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ વખત બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. તે મેચમાં તે 11 રન બનાવીને અણનમ રહ્યો હતો