હું ઝહીર ખાનને રમતો જોઇને શીખવાનો પ્રયાસ કરતો હતો: એન્ડરસન

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે તેણે ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાન પાસેથી રિવર્સ સ્વિંગ સહિત ફાસ્ટ બોલિંગની કેટલીક ટ્રીક શીખી છે. એન્ડરસન ૪૧ વર્ષની ઉંમરે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તે ૭૦૦ ટેસ્ટ વિકેટ લેનાર વિશ્ર્વનો પ્રથમ ઝડપી બોલર બનવાથી માત્ર બે વિકેટ દૂર છે. તેના નામે લગભગ એક હજાર આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાયેલી છે. હાલમાં માત્ર મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન અને દિવંગત શેન વોર્નના નામે ૭૦૦થી વધુ ટેસ્ટ વિકેટ છે.
એન્ડરસને જિયો સિનેમાને કહ્યું હતું કે મેં ઝહીર ખાનને ખૂબ રમતા જોયા છે અને તેની પાસેથી શીખવાનો પ્રયાસ કર્યો હતો. તે કેવી રીતે રિવર્સ સ્વિંગનો ઉપયોગ કરે છે, જ્યારે તે બોલિંગ કરવા માટે દોડે છે ત્યારે તે કેવી રીતે બોલને છૂપાવે છે આ બધી બાબતો મે તેની પાસેથી શીખવાનો પ્રયાસ કર્યો છે. ભારતના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંના એક ઝહીરે તેની છેલ્લી ટેસ્ટ ૨૦૧૪માં રમી હતી. વર્તમાન ભારતીય ઝડપી બોલરોમાં એન્ડરસન જસપ્રીત બુમરાહની ક્ષમતાથી સૌથી વધુ પ્રભાવિત છે. ઇંગ્લેન્ડના આ અનુભવી ફાસ્ટ બોલરે કહ્યું હતું કે બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજથી વધુ સારા બોલરો નથી. તે વર્લ્ડ ક્લાસ બોલર છે. તમે ઈશાંત શર્માને પણ આ શ્રેણીમાં મુકી શકો છો અને તે ખૂબ જ મજબૂત બોલિંગ આક્રમણ છે. એન્ડરસને છેલ્લા ૨૨ વર્ષમાં ૧૮૬ ટેસ્ટ અને ૧૯૪ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.ઉ