હું લૉર્ડસની ઐતિહાસિક બેલ વગાડતી વખતે નર્વસ હતોઃ પુજારા

લંડનઃ સામાન્ય રીતે અહીંના ઐતિહાસિક લૉર્ડ્સના મેદાન પરની મૅચ દરમ્યાન લગભગ પ્રત્યેક દિવસની રમતના આરંભ પહેલાં ખ્યાતનામ ખેલાડીને બેલ વગાડવાનો અવસર આપવામાં આવતો હોય છે અને એમાં શનિવારે ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પહેલાં ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ને આ ગૌરવ મળ્યું હતું.
ખુદ પુજારાએ પછીથી કહ્યું હતું કે ` હું બેલ (Bell) વગાડતી વખતે થોડો નર્વસ (nervous) હતો. કારણ એ છે કે સામાન્ય રીતે એ વખતે સૌનું ધ્યાન બેલ વગાડનાર ખેલાડી પર હોય અને એમાં કોઈ ભૂલ ન થઈ જાય એવું ખેલાડી સતત વિચાર્યા કરતો હોય છે. આ અવસર મને પણ મળ્યો, પણ હું થોડો નર્વસ તો હતો જ.’
લૉર્ડ્સના પૅવિલિયનમાં રાખવામાં આવેલી આ બેલ વગાડવાની પરંપરા 2007ની સાલથી છે. બે દિવસ પહેલાં સચિન તેન્ડુલકરને આ અવસર મળ્યો હતો.
ભૂતકાળમાં સુનીલ ગાવસકર, રાહુલ દ્રવિડ તેમ જ સૌરવ ગાંગુલીને આ સન્માન મળી ચૂક્યું છે.
પુજારાને હવે ભારતીય ટીમમાં સ્થાન નથી મળતું. જોકે તેણે હજી રિટાયરમેન્ટ જાહેર નથી કર્યું. તે હવે ઘણી સિરીઝો દરમ્યાન કૉમેન્ટરી-બૉક્સમાં જોવા મળે છે.
પુજારાની પત્ની પૂજાએ ક્રિકેટર-પત્નીના દૃષ્ટિકોણથી ક્રિકેટ પર તેમ જ તેના પતિ ચેતેશ્વરની કરીઅર અને અંગત જીવન પર આધારિત પુસ્તક લખ્યું છે જેનું તાજેતરમાં વિમોચન થયું હતું.