અશ્વિન શુક્રવારે કેવી રીતે મુરલીધરન પછીનો માત્ર બીજો વર્લ્ડ રેકૉર્ડધારક બનશે?
ધરમશાલા: રવિચન્દ્રન અશ્વિને તાજેતરમાં જ 500મી ટેસ્ટ-વિકેટ લઈને અનેક નવા વિક્રમો કર્યા, કેટલાક વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી અને ભારતીય ટીમને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ જિતાડવામાં મોટું યોગદાન આપ્યું. હવે ગુરુવાર, સાતમી માર્ચે તે કારકિર્દીની 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે ત્યારે તે વધુ એક વિશ્ર્વવિક્રમની બરાબરી કરવાની તૈયારીમાં છે.
ટેસ્ટ-જગતમાં શ્રીલંકાનો ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે મોખરાના સ્થાને છે. વિશ્ર્વના બીજા આઠ બોલરે 500-પ્લસ વિકેટ લીધી છે અને એમાં અશ્ર્વિન પણ સામેલ છે.
મુરલીધરન 133 ટેસ્ટ રમ્યો છે. હવે મુખ્ય વાત એ છે કે મુરલીધરન વિશ્ર્વનો એકમાત્ર બોલર છે જેણે કરીઅરની પહેલી 100 ટેસ્ટમાં 500-પ્લસ વિકેટ લીધી છે. હવે આપણો અશ્વિન એ સિદ્ધિ મેળવનાર મુરલી પછીનો બીજો બોલર બનશે.
અશ્ર્વિનના ખાતે અત્યારે 507 વિકેટ છે. તે 99 ટેસ્ટ રમ્યો છે અને બ્રિટિશરો સામેની સિરીઝની છેલ્લી ટેસ્ટ તેની 100મી ટેસ્ટ બનશે.
શેન વૉર્ને 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી હતી, જ્યારે ઇંગ્લૅન્ડના જેમ્સ ઍન્ડરસને 186 ટેસ્ટમાં 698 વિકેટ લીધી છે અને તે 700મી વિકેટથી માત્ર બે ડગલાં દૂર છે. મુરલીધરન સિવાય બીજા કોઈ પણ બોલરે પહેલી 100 ટેસ્ટમાં 500-પ્લસ વિકેટ નથી લીધી એટલે હવે તેની સાથે એ વિશ્ર્વવિક્રમ શૅર કરવા માટે અશ્ર્વિન તૈયાર થઈ ગયો છે.
500થી વધુ વિકેટ લેનાર અન્ય છ બોલર્સમાં અનિલ કુંબલે (132 ટેસ્ટમાં 619 વિકેટ), સ્ટુઅર્ટ બ્રૉડ (167 ટેસ્ટમાં 604 વિકેટ), ગ્લેન મૅકગ્રા (124 ટેસ્ટમાં 563 વિકેટ), નૅથન લાયન (128 ટેસ્ટમાં 527 વિકેટ), કોર્ટની વૉલ્શ (132 ટેસ્ટમાં 519 વિકેટ) અને આર. અશ્ર્વિન (99 ટેસ્ટમાં 507 વિકેટ).