સ્પોર્ટસ

રોહિત-વિરાટને હઝારે ટ્રોફીની બે મૅચ રમવાના કેટલા પૈસા મળ્યા જાણી લો…

જયપુર/બેંગલૂરુઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી લિસ્ટ-એ તરીકે જાણીતી વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં અનુક્રમે મુંબઈ તથા દિલ્હી વતી બે-બે મૅચ રમીને મુંબઈ પાછા આવી ગયા છે અને વિરાટ હવે છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક મૅચ રમીને 11મી જાન્યુઆરીએ વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ માટે રોહિત સાથે તૈયારી કરવામાં વ્યસ્ત થઈ જશે, પરંતુ આ બે પીઢ ખેલાડી વિશે ક્રિકેટપ્રેમીઓમાં આતુરતા છે કે આ બે ડોમેસ્ટિક મૅચ રમવાના તેમને કેટલા પૈસા (EARNING) મળ્યા હશે?

કોહલી 15 વર્ષે અને રોહિત સાત વર્ષે ફરી વિજય હઝારે ટ્રોફીમાં રમ્યો. જોકે આ દરમ્યાન તેમણે ભારત વતી તેમ જ આઇપીએલમાં અનુક્રમે બેંગલૂરુ તથા મુંબઈ વતી રમીને તેમ જ જાહેરખબરને લગતા કૉન્ટ્રૅક્ટો દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે.

આઇપીએલમાં દર વર્ષે કરોડો રૂપિયા કમાતા આ બે દિગ્ગજે ગયા અઠવાડિયે વિજય હઝારે ટ્રોફીમાં પોતાના ફિટનેસ અને ફૉર્મ બતાવી દીધા હતા. જોકે તેમના ચાહકોના મનમાં સવાલ એ છે કે તેઓ આ બે ડોમેસ્ટિક મૅચ રમીને કેટલું કમાયા?

બીસીસીઆઇના નિયમ મુજબ જે ખેલાડી લિસ્ટ-એ ફૉર્મેટમાં 40થી વધુ મૅચ રમી ચૂક્યો હોય તો તેને નવી એક મૅચ રમવાના 60,000 રૂપિયા મળે. રોહિત (ROHIT)અને વિરાટ (VIRAT) ભૂતકાળમાં લિસ્ટ-એ ફૉર્મેટમાં 40થી વધુ મૅચ રમ્યા હતા એટલે તેમને (દરેકને) ગયા અઠવાડિયાની બે મૅચ રમવાના 1,20,000 રૂપિયા મળ્યા.

આ પણ વાંચો…વિરાટ 5,783 દિવસે રમ્યો વિજય હઝારે ટ્રોફીમાંઃ 16,000 રનનો સચિનનો વિશ્વવિક્રમ તોડ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button