ગૅબા ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ભારત ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં જઈ શકે, સમીકરણ કંઈક આવું છે…
બ્રિસ્બેનઃ અહીં ગૅબામાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની ત્રીજી ટેસ્ટ ડ્રૉમાં જવાની શક્યતા વધુ લાગતી હોવાથી જો આ મૅચનું એ જ (ડ્રૉનું) પરિણામ આવશે તો પણ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવાની તક મળશે. જોકે ભારત માટે ટેસ્ટના વર્લ્ડ કપની આ ફાઇનલમાં જવાનું ભારત માટે આસાન તો નહીં જ હોય. બુધવાર, 18મી ડિસેમ્બરે શું બનશે એ કહેવું મુશ્કેલ હોવા છતાં મૅચ રોમાંચક તબક્કામાં પહોંચી છે. સ્ટાર બૅટર્સ સારું નથી રમી શક્યા ત્યારે ટૉપ-ઑર્ડરમાંથી માત્ર કેએલ રાહુલ (84 રન) કલાકો સુધી ઑસ્ટ્રેલિયન બોલર્સ સામે દીવાલ બની ગયો હતો. રવીન્દ્ર જાડેજા (77 રન) પણ બેહતરીન રમ્યો અને બૅટિંગ-ઑલરાઉન્ડર તરીકેની પોતાની ખ્યાતિને વધુ અસરદાર બનાવી છે.
Also read: હવે પાકિસ્તાનને મળી ગયો બુમરાહ, જોઈ લો Viral Video
નીતીશ રેડ્ડીએ 61 બૉલમાં 16 રન બનાવીને જાડેજાને બહુ સારો સાથ આપ્યો અને છેલ્લે આકાશ દીપ (27 નૉટઆઉટ) અને જસપ્રીત બુમરાહે (10 નૉટઆઉટ)ની જોડીએ ચમત્કાર કરી નાખ્યો. તેમણે ટીમ ઇન્ડિયાને ફૉલો-ઑનથી બચાવ્યું અને પરાજયથી બચાવવા માટેની સંભાવના વધારી દીધી. બન્ને ટીમ મંગળવાર સુધી 1-1ની બરાબરીમાં હતી. ભારત જો આ સિરીઝની છેલ્લી બન્ને ટેસ્ટ જીતશે તો સીધું ફાઇનલમાં પહોંચી જશે. બીજી કોઈ ટીમના પરિણામ પર મદાર નહીં રાખવો પડે.
જો ભારત બેમાંથી એક ટેસ્ટ હારશે અને એક જીતશે તો શ્રેણી 2-2ની બરાબરીમાં થશે એટલે ભારતે ફાઇનલ માટે બીજી ટીમો પર નિર્ભર રહેવું પડશે. સિરીઝ ડ્રૉમાં જશે તો શ્રીલંકામાં ઑસ્ટ્રેલિયા સિરીઝ હારે એવું ભારત ઇચ્છશે. એ ભારતના હિતમાં રહેશે. ડબ્લ્યૂટીસીની ફાઇનલના દાવા માટે ભારત માટે ફક્ત વર્તમાન સિરીઝ જ બચી છે. ત્યાર પછી ભારતે અન્ય ટીમોના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે.