યજમાન અમેરિકા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં
બન્ને કટ્ટર દેશની મૅચ નવમી જૂને : 29 જૂનની ફાઇનલ બાર્બેડોઝમાં
આગામી જૂન મહિનાની શરૂઆતમાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોસ્ટ હાઈ-વૉલ્ટેજ મૅચ નવમી જૂને ન્યુ યૉર્કમાં રમાશે એ આપણે બધા જાણીએ જ છીએ અને હવે તો આખું શેડ્યુલ સત્તાવાર રીતે જાહેર થયું છે જે મુજબ આ બેઉ કટ્ટર દેશવાળા ગ્રુપ-એમાં ખુદ યજમાન અમેરિકા તેમ જ કૅનેડા અને આયર્લેન્ડ છે.
ગ્રુપ-બીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, નામિબિયા, ઓમાન અને સ્કૉટલૅન્ડ, ગ્રુપ-સીમાં ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની છે. ગ્રુપ-ડીમાં સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બંગલાદેશ, નેધરલૅન્ડ્સ અને નેપાલ છે.
ભારત પહેલી ચારમાંથી ત્રણ મૅચ ન્યુ યૉર્કમાં અને ચોથી ફ્લોરિડામાં રમાશે. બીજા બે કટ્ટર દેશ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડનો મુકાબલો વેસ્ટ ઇન્ડિઝના બાર્બેડોઝમાં રમાશે. યોગાનુયોગ, 29 જૂનની ફાઇનલ પણ બાર્બેડોઝમાં રમાશે. 26 તથા 27 જૂનની સેમિ ફાઇનલ અનુક્રમે ગયાના અને ટ્રિનિદાદમાં રમાશે.