સ્પોર્ટસ

પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ઘોડા વિમાનમાં થાકી ગયા અને પછી સીધા લૉરીમાં ઊભા રખાયા!

સાત અશ્ર્વની અમેરિકાથી ફ્રાન્સ સુધીની હવાઈ સફર જાણવા જેવી છે…

પૅરિસ: ઘોડાને જો વિમાનમાં પ્રવાસ કરાવવાનો હોય તો તેની સાથેની વ્યક્તિએ ઘોડાનો પાસપોર્ટ પણ બતાવવો પડતો હોય છે એ વાત જાણીને કેટલાકને નવાઈ જરૂર લાગી હશે, પણ થોડા જ દિવસ પહેલાં આવું બની ગયું. શુક્રવારે શરૂ થઈ રહેલી પૅરિસ ઑલિમ્પિક્સની ઘોડેસવારીની હરીફાઈ માટે અમેરિકાની ઇક્વેસ્ટ્રિયન ટીમને થોડો કડવો અનુભવ થયો હતો.

વિશ્ર્વના સૌથી મોટા રમતોત્સવ માટેના અમેરિકન ટીમના અશ્ર્વોને પહેલાં તો પેન્સિલવેનિયા ખાતેના તબેલામાંથી બહાર લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને જૉન એફ. કૅનેડી ઍરપોર્ટ ખાતે લઈ જવાયા હતા. ત્યાંથી તેમણે લક્ઝેમ્બર્ગ સુધીની આઠ કલાકની હવાઈ સફર કરવાની હતી. તેઓ આટલી લાંબી વિમાની મુસાફરીમાં વધુ નહોતા થાક્યા, પણ ત્યાર બાદ લૉરીના પ્રવાસને લીધે તેઓ ખૂબ થાકી ગયા હતા.

માનવીની જેમ ઘોડાની વિમાની સફર માટે પણ પાસપોર્ટની જરૂર પડે. કારણ એ છે કે જે હેતુ માટે તેમને વિમાનમાં લઈ જવાના હોય એ જ હેતુ માટેના આ ઘોડા છે એની ચોકસાઈ માટે તેમનો પાસપોર્ટ હોવો જરૂરી છે. ઍરપોર્ટ પર પ્રત્યેક ઘોડાને લગતું પેપરવર્ક થયું, તેમને જરૂરી વૅક્સિન અપાઈ છે કે નહીં અને બ્લડ-ટેસ્ટ કરાવ્યા છે કે નહીં એનો પુરાવો પણ ઘોડાના માલિકોએ આપવો પડ્યો હતો.

આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં કયા ભારતીયો કઈ રમતની હરીફાઈમાં પડકાર ફેંકશે? ચાલો, લાંબા લિસ્ટ પર નજર કરી લઈએ…

સાત અશ્ર્વોને અમેરિકાથી પૅરિસ લઈ જવાયા હતા જેમના નામ આ મુજબ હતા: ફેડરમન બી., એચએસએચ બ્લેક, ઑફ ધ રેકૉર્ડ, કૂલી નટક્રૅકર, ડાયાબૉલો, કમાન્ડો-થ્રી અને ક્યૂસી ડાયામૅન્ટેઇર.

અમેરિકાના જૉન કૅનેડી ઍરપોર્ટ ખાતે તેમને બોઇંગ-747માં લઈ જવા ફૉર્કલિફ્ટથી ઊંચકવામાં આવ્યા હતા. તેમનું લગેજ પણ તેમની સાથે જ રખાયું હતું. વિમાનમાં બે-બે ઘોડાને જૂથમાં ઊભા રખાયા હતા અને દરેક જૂથ વચ્ચે કૃત્રિમ દીવાલ હતી. તેમના માટે ત્યાં જ પાણીની વ્યવસ્થા હતી. વિમાનના ટેક-ઑફને થોડી વાર હતી એટલે એક અશ્ર્વને તેના માલિકે ગરદનના નીચલા ભાગમાં હળવો મસાજ કર્યો હતો. બાકીના ઘોડા શાંતિથી ઊભા હતા.

ભારે પવનને લીધે ફ્લાઇટ બે કલાક મોડી શરૂ થવાની હતી એટલે અશ્ર્વોના માલિકોને થોડી ચિંતા થઈ હતી, પણ બાકી બધુ બરાબર ચાલી રહ્યું હતું એટલે કોઈ મોટી સમસ્યા નહોતી.

એક ઘોડાની સાથે જૉન્સ નામનો જે શખસ હતો તેણે પત્રકારોને કહ્યું, ‘મોટા ભાગના ઘોડા ઘણી વાર વિમાનમાં પ્રવાસ કરી ચૂક્યા છે એટલે અમારે ચિંતા કરવા જેવું નહોતું. તેઓ પ્લેનની મુસાફરીથી ટેવાયેલા છે અને ખૂબ સમજદાર પણ છે. તેમને નીચેના ડેકમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને અમે વારાફરતી તેમની પાસે જઈને તપાસ કરી આવતા હતા.’

આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય હૉકી ટીમની જાહેરાત, જાણો કયા 16 ખેલાડીઓને ટીમમાં સમાવાયા

જૉન્સે એવું પણ કહ્યું કે ‘વિમાનમાં અશ્ર્વોને ઘણી વાર ડિહાઇડ્રેશનની સમસ્યા નડી શકે એટલે પાણીની વ્યવસ્થા પણ ભરપૂર રાખવી પડે. વિમાનમાં સામાન્ય રીતે એક ઘોડો પાંચ ગૅલન (19 લીટર) પાણી પીએ. તેમની પાણી પીવાની સામાન્ય જરૂરિયાત કરતાં આ વધુ કહેવાય એટલે અમારે તેમના બકેટ ભરેલા રાખવા જ પડ્યા હતા.

તેમને સફરજનના થોડા ટુકડા પણ અપાયા હતા અને બીજો ખોરાક પણ તૈયાર રખાયો હતો. લક્ઝેમ્બર્ગ સુધીની આઠ કલાકની મુસાફરીમાં તેઓ થોડા થાકી ગયા હતા. માણસની જેમ ઘોડા પણ થાકી જતા હોય છે. વિમાનમાંથી ઊતાર્યા બાદ ક્સ્ટમ્સમાં તેમના ચેકિંગ થયા હતા. તમામ ઘોડાને પગ છૂટા કરવા માટે એક ચોક્કસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને લૉરીમાં ચડાવીને વિટેલ ખાતેના એક નિર્ધારિત સ્થળે લઈ જવાયા હતા. એ લૉરીની મુસાફરીએ તેમને ખૂબ થકવી નાખ્યા હતા.’

તમામ ઘોડાને ત્યાર બાદ ફ્લાઇટના સમય ફરી ઍરપોર્ટ પર લાવ્યા બાદ નવી વિમાની સફર દ્વારા પૅરિસ લાવવામાં આવ્યા હતા. આખી સફર દરમ્યાન દિવસમાં બે વાર તેમનું તાપમાન માપવામાં આવતું હતું અને તેમનો મૂડ ખરાબ ન થાય એની માલિકોએ ખાસ તકેદારી રાખી હતી.

તમામ અશ્ર્વોને ગાજર, પીપરમિન્ટ અને સ્પેશિયલ કૂકીઝ ખવડાવવામાં આવ્યા હતા. ઘોડાઓની સાથે જે વ્યક્તિઓ હતી તેમણે લાંબી લાઇનમાં ઊભા નહોતું રહેવું પડ્યું એટલે આ સફર તેમના માટે ઓછી કંટાળાજનક રહી હતી.

ઘોડા સાથે પ્રવાસ કરનાર સ્ટેફની સિમ્પસન નામની વ્યક્તિએ પત્રકારોને કહ્યું, ‘અમે ઘરની બહાર કામ કરતા હોઈએ છીએ, પણ અમારી આજુબાજુ માણસો ભાગ્યે જ હોય છે. અમે તો ઘોડાઓથી જ ઘેરાયેલા હોઈએ છીએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button