ગિલ, અક્ષર, બુમરાહ, કુલદીપ અને ગંભીર અમદાવાદમાં, બાકી બધા ચૅમ્પિયન સ્ટાર પોતપોતાના શહેરમાં પહોંચ્યા

એશિયા કપ જીતીને પાછી આવેલી ભારતીય ટીમના ચાર ખેલાડી અમદાવાદમાં બીજી ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મૅચ રમશે
અમદાવાદ/નવી દિલ્હીઃ દુબઈમાં દુશ્મન-દેશ પાકિસ્તાન સામે એશિયા કપની ફાઇનલ જીતીને ભારતીય ખેલાડીઓ 1,770 કિલોમીટરનો હવાઈ પ્રવાસ કરીને સ્વદેશ પાછા આવ્યા જેમાં ખાસ કરીને શુભમન ગિલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ એવા ચાર ખેલાડી છે જેઓ એશિયા કપ (Asia cup)માં રમ્યા હતા અને હવે સ્વદેશ પાછા આવ્યા બાદ બીજી ઑક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં પણ રમશે. આ ખેલાડીઓ તેમ જ ગૌતમ ગંભીર અમદાવાદ આવ્યા, જ્યારે મૅન ઑફ ધ ફાઇનલ તિલક વર્મા તથા મૅન ઑફ ધ ટૂર્નામેન્ટ અભિષેક શર્મા દુબઈથી પોતપોતાના શહેરમાં પહોંચી રહ્યા છે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈ આવ્યો છે.
શુભમન ગિલ ટેસ્ટ ટીમનો કૅપ્ટન છે. તેના સહિત ચાર ખેલાડીને તેમ જ હેડ-કોચ ગૌતમ ગંભીરને ખાસ કંઈ આરામ નહીં મળે. ગુરુવાર, બીજી ઑક્ટોબરે (સવારે 9.30 વાગ્યે) અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કૅરિબિયનો સામે બે મૅચની સિરીઝવાળી પ્રથમ ટેસ્ટ શરૂ થશે અને એમાં ગિલ, અક્ષર, બુમરાહ તેમ જ એશિયા કપમાં સૌથી વધુ 17 વિકેટ લેનાર કુલદીપે ટી-20ના ત્રણ કલાકના મુકાબલાઓ બાદ હવે પાંચ દિવસની ટેસ્ટમાં રમવા કમર કસવી પડશે. ગૌતમ ગંભીરે પણ ટેસ્ટ પહેલાં કોચિંગમાં મેદાન પર કલાકો આપવા પડશે.
બુમરાહ (Bumrah) અમદાવાદનો છે અને તે હોમ ટાઉનમાં પાછા આવ્યા બાદ હવે અહીં ટેસ્ટ મૅચમાં પણ અસરદાર પર્ફોર્મન્સ માટે મેદાન પર ઊતરશે. તે ટેસ્ટનો વર્લ્ડ નંબર વન બોલર છે.
ભારતીય ખેલાડીઓ માટે અમદાવાદ (ahmedabad)ની આઇટીસી નર્મદા હોટેલમાં રહેવા સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ઍરપોર્ટ પર ભારતીય ખેલાડીઓ અને ગૌતમ ગંભીરનું રુબી ચૉકલેટ ફજ, ડાર્ક ચૉકલેટ, ઍપ્રિકૉટ ફજ, ડેટ ફિગ રૉલ અને પિસ્તાશિયો પમ્પકિન બરફીથી સ્વાગત કરાયું હતું.
તિલક વર્માનું હૈદરાબાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટની બહાર લોકો તિલકની ફ્લાઇટના આગમનના કલાકો પહેલાંથી ઊભા રહી ગયા હતા અને તે આવી પહોંચ્યા બાદ લોકોની વચ્ચે આવ્યો ત્યારે ચાહકોએ તેને ખભા પર ઊંચકી લીધો હતો. તિલકે રવિવારની ફાઇનમમાં મૅચ-વિનિંગ અણનમ 69 રન કર્યા હતા.
આખા એશિયા કપમાં સૌથી વધુ 314 રન કરનાર અભિષેક શર્માનું પણ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈ ઍરપોર્ટ પર આવ્યા બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફીને લગતા વિવાદ વિશે પૂછાતાં કહ્યું, ` પાકિસ્તાનને હવે જડબાતોડ જવાબ આપવાની જરૂર છે.’