‘આંતરિક મતભેદો હોવાના આરોપો હૉકી ઇન્ડિયાએ ફગાવ્યા’, આપી મહત્ત્વની પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ હૉકી ઇન્ડિયામાં જૂથવાદ અને આંતરિક મતભેદોના આરોપોને નકારી કાઢતા ફેડરેશનના પ્રમુખ દિલીપ ટિર્કી અને જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહે બુધવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ હૉકીના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
હૉકી ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તાજેતરમાં કેટલાક વિદાય લઇ રહેલા અધિકારીઓએ મીડિયામાં કહ્યું છે કે હૉકી ઈન્ડિયામાં જૂથવાદ છે. આ યોગ્ય નથી. અમે હૉકીના હિત માટે એક થઈને કામ કરવાનું ચાલુ રાખીશું.
13 વર્ષ પછી ભારતીય હૉકી સાથેના સંબંધો તોડ્યા બાદ ભૂતપૂર્વ સીઈઓ એલેના નોર્મને કહ્યું હતું કે હૉકી ઈન્ડિયામાં જે પ્રકારનું વાતાવરણ છે તેમાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે અને આવી સ્થિતિમાં તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
તેમણે કહ્યું હતું કે હૉકી ઈન્ડિયામાં બે જૂથ છે. એક તરફ તેઓ અને (પ્રમુખ) દિલીપ ટિર્કી છે અને બીજી બાજુ (સચિવ) ભોલાનાથ સિંહ, (કાર્યકારી નિર્દેશક) કમાન્ડર આરકે શ્રીવાસ્તવ અને (ખજાનચી) શેખર જે મનોહરન છે.
અગાઉ, મહિલા હૉકી ટીમના કોચ યાનેકે શોપમેને પણ પક્ષપાતી વલણ અને મહિલા હૉકી પ્રત્યે સન્માનના અભાવનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું. ભારતીય મહિલા હૉકી ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ જતાં શોપમેને પદ છોડ્યું હતું.
ટિર્કી અને ભોલાનાથે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે હૉકી ઈન્ડિયા ભારતીય હોકીના વિકાસ માટે રચાયેલી એક સ્વાયત્ત અને વ્યાવસાયિક સંસ્થા છે. અમારો ધ્યેય હૉકી અને અમારા ખેલાડીઓની સુધારણા અને પ્રગતિ છે. અમારી રાષ્ટ્રીય ટીમોને વૈશ્વિક સ્તરે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમામ પ્રકારના સમર્થન આપવામાં આવે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે મહિલા ટીમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. આ સાથે અમે પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર મેડલ જીતવા માટે પુરૂષ ટીમને તમામ સંભવિત સુવિધાઓ પૂરી પાડીશું.