હિટમૅન રોહિત શર્મા સિક્સરનો નવો કીર્તિમાન રચવાની તૈયારીમાં જ છે!
ધરમશાલા: હિટમૅન તરીકે વિશ્ર્વવિખ્યાત રોહિત શર્માએ વન-ડેમાં 264 રનનો વ્યક્તિગત હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો એને સાડાનવ વર્ષ થઈ ગયા છતાં વિશ્ર્વનો બીજો કોઈ પણ બૅટર એ હજી સુધી તોડી નથી શક્યો. એ ઉપરાંત પણ રોહિતે બીજા ઘણા વિક્રમો ત્રણેય ફૉર્મેટમાં નોંધાવ્યા છે, પણ આગામી દિવસોમાં તે જે સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે એ વર્ષો સુધી કોઈ તોડી નહીં શકે એવી સંભાવના કોઈ નકારી ન શકે.
ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં રોહિતે કુલ 594 છગ્ગા ફટકાર્યા છે અને 600ના મૅજિક ફિગર સુધી પહોંચવા તેને માત્ર છ સિક્સરની જરૂર છે. આઇપીએલ પહેલાં હવે ભારત છેલ્લી મૅચ રમવા જઈ રહ્યું છે. ગુરુવાર, સાતમી માર્ચે ઇંગ્લૅન્ડ સામે શ્રેણીની છેલ્લી મૅચમાં રોહિતને કુલ છ સિક્સર ફટકારવાની તક છે. તેને આ મોકો ટેસ્ટના બન્ને દાવમાં મળશે એટલે તેની 600મી સિક્સરનો દિવસ બહુ દૂર નથી એમ કહી શકાય.
રોહિતે ટેસ્ટમાં 81, વન-ડેમાં 323 અને ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 190 સિક્સર ફટકારી ચૂક્યો છે. ત્રણેય ફૉર્મેટ મળીને સૌથી વધુ છગ્ગા ફટકારનારાઓમાં રોહિત ઘણા દિવસોથી નંબર-વન થઈ ગયો છે. તેણે ક્રિસ ગેઇલને પાછળ પાડી દીધો છે. હાલમાં રોહિત 594 સિક્સર સાથે પ્રથમ ક્રમે અને ગેઇલ 553 સિક્સર સાથે બીજા સ્થાને છે. શાહિદ આફ્રિદી 476 છગ્ગા સાથે ત્રીજા નંબરે છે.
રોહિતના 190 છગ્ગા ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ છે, પરંતુ ટેસ્ટ અને વન-ડેમાં તેની સિક્સરનો આંકડો ઘણો પાછળ છે. જોકે ત્રણેય ફૉર્મેટ મળીને કુલ સિક્સરના તેના 600 નજીકના આંકડાના વિક્રમને ઘણા વર્ષો સુધી કોઈ તોડી નહીં શકે એવું માનીએ તો ખોટું નથી.