બાંગ્લાદેશે પાકિસ્તાનનું એની જ ધરતી પર નાક કાપ્યું…
નજમુલ શૅન્ટોની ટીમે ઇતિહાસ રચ્યો, પહેલી વાર પાકિસ્તાનીઓ સામે ટેસ્ટમાં વિજય

રાવલપિંડી: બાંગ્લાદેશે અહીં બે મૅચવાળી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં નાટ્યાત્મક વળાંકો લાવીને પાકિસ્તાન સામે એની જ ધરતી પર ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.
બાંગ્લાદેશ પહેલી જ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવવામાં સફળ થયું છે.
રવિવારે પાંચમા અને છેલ્લા દિવસે બાંગ્લાદેશને જીતવા ફક્ત 30 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 6.3 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. ઓપનર ઝાકિર હસન 15 રન અને શદમાન ઇસ્લામ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો : નિકોલસ પૂરને કૅરિબિયન ટીમને રોમાંચક જીત અપાવી
નજમુલ શૅન્ટોના સુકાનમાં બાંગ્લાદેશના ખેલાડીઓ ઘરઆંગણે વડાં પ્રધાન શેખ હસીના સામેના ક્રાંતિકારી દેખાવો અને લોહિયાળ પ્રદર્શનોથી ચિંતિત હાલતમાં પાકિસ્તાનમાં રમવા આવી હતી. જોકે તેમણે એ આઘાતને બાજુ પર રાખીને પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશના અને ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે.
પાકિસ્તાન બીજા દાવમાં માત્ર 146 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઑફ-સ્પિનર મેહદી હસન મિરાઝે ચાર વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર શાકિબ અલ હસને ત્રણ વિકેટ લીધી હતી જેને પગલે બાંગ્લાદેશને જીતવા ફક્ત 30 રનનો ટાર્ગેટ મળ્યો.
બાંગ્લાદેશ આ મૅચ પહેલાં પાકિસ્તાન સામે કુલ 13 ટેસ્ટ રમ્યું હતું જેમાંથી 12 મૅચ હાર્યું હતું. 2015ની સાલમાં એકમાત્ર ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.
પાકિસ્તાનના પ્રથમ દાવના 448/6 ડિક્લેર્ડના જવાબમાં બાંગ્લાદેશે શનિવારે ચોથા દિવસે ખરાબ શરૂઆત બાદ છેવટે 565 રન બનાવીને 117 રનની લીડ લીધી હતી.
બાંગ્લાદેશને 565 રનનો ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર મુશ્ફીકુર રહીમે (191 રન, 341 બૉલ, એક સિક્સર, બાવીસ ફોર) અપાવ્યો હતો. જોકે તે કરીઅરની વધુ એક ટેસ્ટ ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેને મોહમ્મદ અલીએ રિઝવાનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. રહીમ અને મેહદી હાસન મિરાઝ (77 રન, 179 બૉલ, છ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 196 રનની ભાગીદારી થઈ હતી.
બે મૅચવાળી સિરીઝની આ પ્રથમ ટેસ્ટ બાદ 30મી ઑગસ્ટથી જે બીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે એ નિર્ણાયક બની રહેશે.