સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરોનું ઐતિહાસિક વિશ્વ વિજેતાપદ દેશમાં કેવી સકારાત્મક અસર કરી શકે, કેવા ફેરફારો લાવી શકે?

  • (અજય મોતીવાલા)

મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટરો માટે બીજી નવેમ્બરનો દિવસ સુપર સન્ડે હતો જેમાં તેમણે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં બાવન રનથી હરાવીને પહેલી જ વખત વર્લ્ડ કપ (World cup)ની ટ્રોફી મેળવી લીધી અને આ ઐતિહાસિક તથા અસાધારણ સિદ્ધિને પગલે દેશમાં મહિલા ક્રિકેટ પ્રત્યે, મહિલા વર્ગની યુવા પેઢીમાં અનેક પ્રકારની અસર તેમ જ ફેરફારો જોવા મળી શકે.

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમની ઘણી ખેલાડીઓ દેશના કોઈ જાણીતા શહેરમાંથી નહીં, પણ નાના નગરમાંથી કે ગામમાંથી ટીમ ઇન્ડિયા સુધી પહોંચી છે. તેમણે ક્રિકેટની તાલીમ લઈને પહેલાં સ્થાનિક સ્તરે ચમક્યા બાદ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સારું પર્ફોર્મ કર્યું અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા બાદ હવે તેઓ વિશ્વ વિજેતાપદના સર્વોચ્ચ લેવલ સુધી પહોંચી છે.

ભારતે રવિવારે નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (D y Patil stadium)ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવ્યું હતું. વરસાદને કારણે લગભગ બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલ 50-50 ઓવરની જ હતી જેમાં સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે શેફાલી વર્મા (78 બૉલમાં 87 રન), દીપ્તિ શર્મા (58 બૉલમાં 58 રન), સ્મૃતિ મંધાના (58 બૉલમાં 45 રન), રિચા ઘોષ (24 બૉલમાં 34 રન), જેમિમા રૉડ્રિગ્સ (37 બૉલમાં 24 રન) વગેરે બૅટર્સના શાનદાર પર્ફોર્મન્સની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ ખાસ કરીને લૉરા વૉલ્વાર્ટ (98 બૉલમાં 101 રન)ના પર્ફોર્મન્સની મદદથી 246 રન કરી શકી હતી અને એ સ્કોર પર એની અંતિમ વિકેટ પડ્યા બાદ ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક સફર શરૂ થઈ હતી. લીગ રાઉન્ડમાં હૅટ-ટ્રિક હાર પછી પણ ચૅમ્પિયનપદ મેળવીને હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ મહિલા ક્રિકેટમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.

અગાઉ એવું બનતું જેમાં પુરુષોની મોટી ટૂર્નામેન્ટની મૅચો (ખાસ કરીને ફાઇનલ સહિતની નૉકઆઉટ મૅચો) કરોડો દર્શકો ટીવી પર માણતા હતા. જોકે રવિવારની મહિલા ક્રિકેટરોની ફાઇનલ કરોડો ક્રિકેટપ્રેમીઓએ ટીવી પર માણી અને ભારતીય ખેલાડીઓની આ અપ્રતિમ સિદ્ધિને પગલે હવે ખાતરીથી કહી શકાય કે ભારતમાં મહિલા ક્રિકેટને જબરદસ્ત લિફ્ટ મળશે.

How can the historic world championship of Indian women cricketers have a positive impact on the country, what kind of changes can it bring about?

હરમનપ્રીત ઍન્ડ કંપનીના વિજેતાપદની અસર અને ફેરફારો થઈ શકે

(1) હવે વધુ ને વધુ છોકરીઓ ક્રિકેટમાં કરીઅર બનાવવા દોટ મૂકશે અને ઉચ્ચ સ્તર સુધી પહોંચવાનું સપનું સેવશે.

(2) ક્રિકેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટોનો રાફડો ફાટી નીકળશે. સોશ્યલ મીડિયામાં ક્રિકેટના પ્રશિક્ષકો જાહેરાતો મૂકશે.

(3) વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટરોને કરોડો રૂપિયાની કમાણી થઈ એટલે સ્વાભાવિક છે કે યુવા પેઢી પણ ક્રિકેટમાં કારકિર્દી બનાવીને પૈસા બનાવવાની ઇચ્છા રાખશે.

(4) ભારતીય ટીમમાં ઓપનિંગમાં હરીફાઈ જોવા મળશે. મૂળ ઓપનર પ્રતીકા રાવલ અને સ્મૃતિ મંધાના ઉપરાંત હવે શેફાલી વર્મા પણ જબરદસ્ત કમબૅક સાથે ઓપનિંગના સ્થાન માટે મજબૂત દાવેદાર થઈ ગઈ છે.

(5) વર્લ્ડ ચૅમ્પિયન ટીમની ખેલાડીઓને આઇસીસી તરફથી કુલ 39 કરોડ રૂપિયાનું અને બીસીસીઆઇ તરફથી 51 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું એ ઉપરાંત હવે તેમને લાખો ને કરોડો રૂપિયાના એન્ડોર્સમેન્ટસ પણ મળશે. પ્લેયર્સ પાસે કરોડો રૂપિયા આવી રહ્યા છે એટલે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લઈને સલાહકારો, દલાલો તેમની પાસે પહોંચી જશે.

(6) દેશમાં લેડીઝ ક્રિકેટની લોકપ્રિયતા ખૂબ વધશે. ટીવી પર કે સ્ટેડિયમોમાં પુરુષોની ક્રિકેટ જોવામાં મહિલાઓ રસ બતાડતી હોય છે એમ હવે મહિલાઓની ક્રિકેટ મૅચો જોવામાં પુરુષો વધુ ઉત્સુકતા બતાવશે.

(7) ભારતની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) ત્રણ વર્ષથી રમાય છે, પરંતુ હવે જ્યારે ભારતીય ટીમ જ પહેલી વાર વિશ્વવિજેતા બની એટલે મહિલાઓની આ ટી-20 લીગ ટૂર્નામેન્ટને જબરો વેગ મળશે.

(8) ભારતીય મહિલાઓ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ચેમ્પિયન બની. આ ભૂમિ ક્રિકેટ જગતના નકશા પર તો આવી જ ગઈ, હવે પછી જ્યારે પણ વિમેન ઇન બ્લૂના વર્લ્ડ ચૅમ્પિયનપદની વાત નીકળશે ત્યારે નવી મુંબઈનું નામ અચૂક લેવાશે.

(9) વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ટીમની ક્રિકેટર-ક્નયા માટે ઘણા માગા આવશે.

(10) ભારતની મહિલા ક્રિકેટ ટીમની મૅચ કે સિરીઝ કે ટૂર્નામેન્ટ વખતે સ્પોન્સરની સંખ્યા અગાઉ કરતાં હવે વધશે. મહિલા ક્રિકેટની વધુ મૅચો લાઇવ ટેલિકાસ્ટ થશે. એટલું જ નહીં, પુરુષ ક્રિકેટરોની જેમ હવે મહિલા ખેલાડીઓની મૅચોના પ્રસારણ માટેના ટેલિકાસ્ટ રાઈટ્સ બાબતમાં પણ બીસીસીઆઇને (જાણીતી સ્પોર્ટ્સ ચૅનલો પાસેથી) કરોડો રૂપિયાની આવક થશે. કારણ એ છે કે હવે પછી મોટી સંખ્યામાં લોકો ભારતીય મહિલા ક્રિકેટરોની મૅચો જોશે.

(11) વિદેશી ટીમો (ખાસ કરીને નાના ક્રિકેટ રાષ્ટ્રોની ટીમો) ભારતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ સામે સિરીઝ રમવા માગશે.

(12) સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજાની જેમ હવે મહિલા પ્લેયર્સ (હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતીકા રાવલ, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અમનજોત કૌર, રાધા યાદવ, સ્નેહ રાણા, રિચા ઘોષ વગેરે)નાં નામ પણ હવે ઘેર ઘેર બોલાશે અને તેમનાં પર્ફોર્મન્સની વારંવાર ચર્ચા થશે.

(13) વધુ લેડીઝ ક્રિકેટ સ્પર્ધાઓ રમાશે. 2008માં આઇપીએલ શરૂ થઈ ત્યાર બાદ દેશમાં ઠેકઠેકાણે ટી-20 પ્રીમિયર લીગ શરૂ થઈ હતી. ભારતમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પૂજાય છે એટલે કંઈ પણ સંભવ છે.

(14) પતંગ પર જેમ વિરાટ કોહલી, એમએસ ધોની, સચિન તેન્ડુલકર વગેરેના નામ જોવા મળતા હોય છે એમ હવે મહિલા ક્રિકેટરોના નામ પતંગ પર વાંચવા મળશે તો નવાઈ નહીં લાગે. બીજી રીતે કહીએ તો હવે ભારતની મહિલા ક્રિકેટરો પણ ઊંચે આકાશમાં ઉડશે.

(15) ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓને સમારંભોમાં ચીફ ગેસ્ટ બનવા, મૉટિવેશનલ સ્પીકર બનવા આમંત્રણો મળશે. ભારતીય ટીમે લીગ રાઉન્ડમાં (ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે) સતત ત્રણ મૅચ હાર્યા પછી પણ જબરદસ્ત કમબૅક કરીને વિજેતાપદ મેળવી લીધું એ જ બતાવે છે કે પ્રત્યેક ભારતીય ખેલાડીએ આત્મવિશ્વાસ ગુમાવ્યો નહોતો અને એટલે જ વિજેતા બનીને રહી.

આપણ વાંચો:  વર્લ્ડ ચૅમ્પિયનોએ વહાલસોયી ટ્રોફી સાથે આપ્યો અનોખો પોઝ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button