સ્પોર્ટસ

સાંગવાને જેનાથી વિરાટનું સ્ટમ્પ ઊડાડ્યું એ જ બૉલ પર તેના ઓટોગ્રાફ લીધા!

કોહલીએ ફાસ્ટ બોલરને શાબાશી આપતા કહ્યું, ‘ ક્યા ગેંદ થા યાર, મઝા આ ગયા'

નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી ગયા અઠવાડિયે છેક 12 વર્ષે રણજી ટ્રોફીમાં રમવા આવ્યો હતો અને પહેલી જ ઈનિંગ્સમાં પોતાના 15મા બૉલ પર છઠ્ઠા રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ જતાં તેનું કમબૅક તેના અસંખ્ય ચાહકો માટે આઘાતજનક બન્યું હતું.

રેલવેની ટીમના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. સાંગવાનના બૉલમાં વિરાટનું ઑફ સ્ટમ્પ ઊખડીને દૂર જઈને પડ્યું હતું. જોકે પછીથી સાંગવાનને ખુદ વિરાટની જ પ્રશંસા મળી હતી.

ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશનના ટિકિટ-કલેક્ટર તરીકેની નોકરી કરી રહેલો સાંગવાન આ પહેલાં અજિંકય રહાણે, પૃથ્વી શો, ઈશાન કિશન, દેવદત્ત પડિક્કલ વગેરેની વિકેટ પણ લઈ ચૂક્યો હતો.

દિલ્હીએ આ રણજી મૅચ એક દાવથી જીતી લીધી હતી. એ જોતાં વિરાટને મૅચમાં ફરી બૅટિંગ કરવાનો મોકો જ નહોતો મળ્યો.

આપણ વાંચો: કોહલીની પહેલાં રેલવેના ટિકિટ કલેક્ટર સાંગવાને કયા આઠ સ્ટાર ખેલાડીની વિકેટ લીધી હતી?

જોકે દિલ્હીના વિજય બાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં રેલવેનો સ્ટાર ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાન આવ્યો હતો અને તેણે જે બૉલથી વિરાટને ક્લીન બોલ્ડ કર્યો હતો એ જ બૉલ પર તેણે ઑટોગ્રાફ આપવા માટે વિરાટને વિનંતી કરી હતી. વિરાટ તરત જ તેને ઑટોગ્રાફ આપવા તૈયાર થઈ ગયો હતો.

ખુદ હિમાંશુ સાંગવાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘મેં વિરાટને જ્યારે ઑટોગ્રાફ માટે બૉલ આપ્યો ત્યારે તેણે ઑટોગ્રાફ આપતી વખતે મને પૂછ્યું કે જેનાથી તેં મારી વિકેટ લીધી હતી એ જ આ બૉલ છે? મેં તેને હા કહ્યું અને પછી તે બોલ્યો કે ક્યા ગેંદ થા યાર, મઝા આ ગયા.’

વિરાટે પછીથી સાંગવાનને એવું પણ કહ્યું હતું કે ‘કાફી તીખે બોલર હો. મહેનત કરતો રહેજે. ભવિષ્ય માટે તને મારી શુભેચ્છા.’

ગયા અઠવાડિયે સાંગવાને વિરાટની વિકેટ લીધા પછી આક્રમક સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું એ બદલ સોશિયલ મીડિયામાં સાંગવાનની ખૂબ ટીકા થઈ હતી. જોકે પછીથી સાંગવાને ખુલાસો કરવો પડ્યો હતો કે ‘મેં જાણી જોઈને મારા સેલિબ્રેશનમાં આક્રમકતા નહોતી બતાવી. એ મારી કુદરતી સ્ટાઇલ હતી. વિરાટ તો મારા ગુરુ છે. જો તેમના ચાહકોના દિલને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button