મેલબર્નમાં 121 મીટર લાંબી સિક્સર…કોણે ફટકાર્યો આ `રેકોર્ડ-બ્રેક છગ્ગો?’
મેલબર્નઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમ મેલબર્નમાં સિરીઝની ચોથી ટેસ્ટ 184 રનના તોતિંગ માર્જિનથી હારી ગઈ એ સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં હજારો પ્રેક્ષકોએ જીત સેલિબે્રટ કરી એના માંડ ચાર દિવસ પછી એ જ સ્થળે ઑર એક યાદગાર ઉજવણી થઈ હતી અને એ જલસો હતો સૌથી લાંબી સિક્સરનો.
આ પણ વાંચો : આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર: સ્મૃતિ મંધાનાને સોંપ્યું સુકાન
વાત એવી છે કે 30મી ડિસેમ્બરે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બૉક્સિંગ-ડે ટેસ્ટ પૂરી થઈ ત્યાર બાદ ચોથી જાન્યુઆરીએ એમસીજીમાં બિગ બૅશ લીગ (બીબીએલ)ની મૅચ રમાઈ હતી જેમાં મેલબર્ન સ્ટાર્સના હિલ્ટન કાર્ટરાઇટ નામના બૅટરે જે લાંબી સિક્સર ફટકારી એનું 121 મીટરનું અંતર મેદાન પર રાખવામાં આવેલા ડિવાઇસમાં નોંધાયું હતું. મેલબર્ન રેનેગેડ્સ સામેની આ મૅચ રોમાંચક અને રસાકસીભરી બની હતી.
મેલબર્ન સ્ટાર્સે ફીલ્ડિંગ લીધા પછી મેલબર્ન રેનેગેડ્સની ટીમને 20 ઓવરમાં 168/7ના સ્કોર સુધી મર્યાદિત રાખી હતી. એમાં બ્રિટિશ ખેલાડીઓ જૅકબ બેથેલના 45 રન અને જોનથન વેલ્સના 49 રન સામેલ હતા. ઑસ્ટ્રેલિયાના 40 વર્ષીય પીઢ ફાસ્ટ બોલર પીટર સીડલ તેમ જ જોએલ પેરિસે બે-બે વિકેટ લીધી હતી.
આ મૅચ છેલ્લી ઓવરના ચોથા બૉલ સુધી ચાલી હતી. મેલબર્ન સ્ટાર્સે 19.4 ઓવરમાં પાંચ વિકેટે જે 171 રન બનાવ્યા એમાં બેન ડકેતના 67 રન, કૅપ્ટન માર્કસ સ્ટોઇનિસના 48 રન તેમ જ ગ્લેન મૅક્સવેલના અણનમ 20 રનનું તો યોગદાન હતું જ, સાતમા ક્રમના બૅટર હિલ્ટન કાર્ટરાઇટ (24 અણનમ, 12 બૉલ, બે સિક્સર, એક ફોર)એ છેલ્લી પળોમાં મૅચને અત્યંત રોમાંચક બનાવી દીધી હતી. તેની બેમાંથી એક સિક્સર 121 મીટર લૉન્ગેસ્ટ હતી.
મૅચની છેલ્લી ઓવર મેલબર્ન રેનેગેડ્સના 30 વર્ષીય ઑસ્ટ્રેલિયન પેસ બોલર ટૉમ રોજર્સે કરી હતી. એ ઓવરની શરૂઆતમાં મેલબર્ન સ્ટાર્સે જીતવા 12 રન બનાવવાના હતા. પહેલા બે બૉલમાં કુલ બે રન બન્યા બાદ આ મૅચ સુપર ઓવરમાં જશે એવું લાગતું હતું. જોકે કાર્ટરાઇટે મૅચને ત્યાં સુધી નહોતી પહોંચવા દીધી.
તેણે ત્રીજા બૉલમાં ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. એ સિક્સર 121 મીટરની હોવાનું રેકૉર્ડ થયું હતું. રોજર્સે બૉલ ફેંક્યો ત્યાં જ કાર્ટરાઇટે બૅટ ગુમાવ્યું અને તેનામાં જેટલી તાકાત હતી એનાથી લૉન્ગ-ઑન પરથી સિક્સર ફટકારી દીધી હતી. એ શૉટ જોઈને ફિલ્ડર્સ તેમ જ હજારો પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. હરીફ ટીમ મેલબર્ન રેનેગેડ્સ તરફી પ્રેક્ષકોએ પણ કાર્ટરાઇટના આ અભૂતપૂર્વ શૉટને તાળીઓથી વધાવી લીધો હતો.
આ પણ વાંચો : વાહ! આ સ્થળે ક્રિકેટની ટૂર્નામેન્ટ ધોતી-કૂર્તામાં રમાશે અને સંસ્કૃતમાં કોમેન્ટરી…
એ તો ઠીક, પણ ખુદ કાર્ટરાઇટ પોતાના આ શૉટથી ચોંકી ગયો હતો અને મોં ખૂલ્લું રાખીને ઊભો-ઊભો બૉલ સામે જોતો રહ્યો હતો. કાર્ટરાઇટે એ પછીના જ બૉલમાં ચોક્કો મારીને (બે બૉલ બાકી રાખીને) મેલબર્ન સ્ટાર્સને શાનદાર વિજય અપાવ્યો હતો. બેન ડકેતને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.