સ્પોર્ટસ

અરે આ શું? ટીમની તમામ 10 બૅટરને રિટાયર-આઉટ કરી દેવામાં આવી!

બૅંગકૉકઃ મહિલાઓના આગામી ટી-20 વર્લ્ડ કપ (WOMEN’S T20 WORLD CUP) માટેની એશિયા પ્રાન્તની એક ક્વૉલિફાઇંગ મૅચમાં શનિવારે એક અજબ ઘટના બની. એવું દોઢસો વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં (પુરુષો અને મહિલાઓ) બેમાંથી કોઈના પણ કોઈ પણ ફૉર્મેટની મૅચમાં નથી બન્યું. એક ટીમની તમામ 10 બૅટરને રિટાયર-આઉટ (RETIRE OUT) કરી દેવામાં આવી હતી. બીજી રીતે કહીએ તો 10માંથી દરેક બૅટરને વધુ બૅટિંગથી તેમ જ મોટા ભાગના કિસ્સાઓમાં બૅટિંગથી વંચિત રાખવામાં આવી હતી.

આઇપીએલ સહિત પુરુષોની કોઈ પણ મૅચમાં કોઈ એક બૅટ્સમૅનને રિટાયર-આઉટ કરી દેવામાં આવે તો ચર્ચાસ્પદ મુદ્દો બની જાય છે, જ્યારે આ મહિલા ટીમની દસેદસ ખેલાડીને રિટાયર-આઉટ કરી દેવામાં આવી!

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને કતાર વચ્ચેની મૅચમાં આ અભૂતપૂર્વ બનાવ બન્યો હતો. અગાઉ ક્યારેય કોઈ ક્રિકેટ મૅચમાં બેથી વધુ ખેલાડીને રિટાયર-આઉટ નહોતી કરવામાં આવી. પુરુષોની ક્રિકેટમાં પણ ક્યારેય બેથી વધુ બૅટ્સમૅનને રિટાયર-આઉટ નથી કરવામાં આવ્યો.

યુએઇની ટીમની 27 વર્ષની ઉંમરની ભારતીય મૂળની કૅપ્ટન અને રાઇટ-હૅન્ડ બૅટર ઇશા રોહિત ઓઝાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ઇશા અને બીજી ભારતીય મૂળની વિકેટકીપર તીર્થ સતીશ નામની વિકેટકીપર ઓપનિંગમાં રમી હતી. ઇશાએ પંચાવન બૉલમાં પાંચ સિક્સર અને 14 ફોરની મદદથી 113 રન કર્યા હતા, જ્યારે તીર્થએ 42 બૉલમાં અગિયાર ફોર સાથે 74 રન કર્યા હતા. બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 192 રન બન્યા હતા. તેમણે આ 192 રન 16 ઓવરમાં કર્યા હતા. જોકે આ સ્કોર વખતે યુએઇની ટીમે પોતાની ઇનિંગ્સ રોકી દેવાનું નક્કી કર્યું હતું. મર્યાદિત ઓવરની ક્રિકેટમાં દાવ ડિક્લેર કરવાની છૂટ ન હોવાથી યુએઇના ટીમ મૅનેજમેન્ટે (કતાર સામે 192 રન પૂરતા હોવાનું લાગતાં તેમ જ બાકીની ચાર ઓવર રમવાની જરૂર ન જણાતાં) ઇશા ઓઝા તથા તીર્થને રિટાયર-આઉટ જાહેર કરી દીધી હતી. ત્યાર બાદ બાકીની આઠ બૅટરને (એકેય બૉલનો સામનો કરવા દીધા વગર) રિટાયર-આઉટ જાહેર કરી દેવાઈ હતી. એ રીતે, રેકૉર્ડ-બુકમાં યુએઇની ટીમને 16 ઓવરમાં 192 રને ઑલઆઉટ બતાવવામાં આવી હતી. મહિલાઓની ટી-20 આંતરરાષ્ટ્રીયમાં આ હાઇએસ્ટ ઑલઆઉટ સ્કોર છે.

આપણ વાંચો:  આ તારીખથી આઈપીએલની ફરી થશે શરૂઆત, આજે છે મીટિંગ

નવાઈની વાત એ છે કે યુએઇની ટીમ ઑલઆઉટ થઈ હોવા છતાં કતાર (QATAR)ની સાતમાંથી એક પણ બોલરના નામે એકેય વિકેટ નહોતી નોંધાઈ, કારણકે યુએઇની બધી બૅટરને રિટાયર-આઉટ કરી દેવામાં આવી હતી.

કતારની ટીમ જવાબમાં 11.1 ઓવરમાં ફક્ત 29 રનમાં ઑલઆઉટ થઈ જતાં યુએઇનો વિક્રમજનક 163 રનથી વિજય થયો હતો. કતારની ટીમમાં ઓપનર રિઝફા બાનો (20) ડબલ-ડિજિટમાં રન કરનાર ટીમની એકમાત્ર બૅટર હતી. બે બૅટરના સિંગલ-ડિજિટમાં રન હતા, જયારે સાત બૅટર ઝીરોમાં આઉટ થઈ હતી. એક બૅટર ઝીરો પર નૉટઆઉટ હતી. યુએઇની સ્પિનર મિશેલ બોથાને ત્રણ વિકેટ અને કૅટી થૉમસનને બે વિકેટ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button