ક્રિકેટ જગતને આંચકો: હેનરિક ક્લાસેને વન-ડે અને ટી-20માંથી લીધી નિવૃત્તિ

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા હતા.
33 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે તે તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. નોંધનીય છે કે ક્લાસેને ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેણે વન-ડે અને ટી-20માંથી નિવૃતિની જાહેરાત કરી હતી.
આપણ વાંચો: T20 વર્લ્ડ કપ વચ્ચે વિરાટ કોહલીના સાથી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
જમણા હાથના બેટ્સમેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે – ‘આ મારા માટે દુઃખદ દિવસ છે કારણ કે હું જાહેરાત કરું છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. તે ખરેખર ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો પરંતુ હું આ નિર્ણયથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું.’
આપણ વાંચો: વિરાટ કોહલીની ઓચિંતી નિવૃત્તિ બીસીસીઆઇને કારણે?
હેનરિક ક્લાસેને ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ચાર ટેસ્ટ, 60 વન-ડે અને 58 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 104, 2141 અને 1000 રન કર્યા હતા. ક્લાસેન છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ફક્ત બે મેચ રમી અને 67 રન કર્યા હતા.
ક્લાસેન આગળ લખ્યું હતું કે- ‘પહેલા દિવસથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સૌથી મોટું સન્માન હતું અને તે બધું હતું જેના માટે મેં યુવા તરીકે કામ કર્યું હતું અને જેનું સ્વપ્ન જોયું હતું. નોંધનીય છે કે ક્લાસેન તાજેતરમાં આઇપીએલ 2025માં રમતા જોવા મળ્યો હતો. તે સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ છે.
આ સીઝનમાં તેણે કુલ 14 મેચ રમી હતી અને એક સદી અને એક અડધી સદીની મદદથી 487 રન કર્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 105 રન હતો. જે તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ સામે કર્યો હતો.