આ ક્રિકેટ બોર્ડના વડા જ ભાગી ગયા છે, મહિલાઓનો વર્લ્ડ કપ ક્યાંથી યોજાશે!
ઢાકા: બંગલાદેશના ઘણા અઠવાડિયાઓથી જે અરાજકતા ચાલે છે એને ધ્યાનમાં લઈને દેશમાં ખેલકૂદને લગતી અને ખાસ કરીને ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે ત્યારે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ ઑક્ટોબરમાં ઘરઆંગણે યોજાનારા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપ સંબંધમાં ચિંતિત છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ નઝમુલ હસન પપોન વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે જોડાયા હોવાથી હાલમાં દેશ છોડીને ભાગી ગયા છે એટલે દેશમાં વિશ્ર્વ કપના આયોજનની સંભાવના નથી.
ક્રિકેટ બોર્ડના ચીફ નજમુલ સાથે બોર્ડના કેટલાક ડિરેકટરો પણ નાસી ગયા છે. જોકે અમુક ડિરેકટર ઢાકામાં જ છે અને આશા રાખે છે કે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ બંગલાદેશમાંથી અન્યત્ર ક્યાંક નહીં લઈ જવામાં આવે.
દરમ્યાન, બંગલાદેશ ક્રિકેટ બોર્ડે દેશના લશ્કરી વડાને કહ્યું છે કે તમે અમને ખાતરી આપો કે જો અમે મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ દેશમાં રાખીએ તો તમે અમને પૂરતી સલામતી પૂરી પાડશો.
આ વર્લ્ડ કપ 3-20 ઑક્ટોબરે યોજાવાનો છે. એ પહેલાં વૉર્મ-અપ મૅચો 27મી સપ્ટેમ્બરે રમાવાની શરૂ થઈ જશે. વર્લ્ડ કપની મૅચો સિલ્હટ અને મીરપુરમાં રમાશે.
આઇસીસી બંગલાદેશમાં અરાજકતાની સ્થિતિનું સતત અવલોકન કરી રહી છે અને બંગલાદેશને બદલે ભારતમાં અથવા યુએઇ અથવા શ્રીલંકામાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ રાખવા વિચારે છે.