સ્પોર્ટસ

`તું પચીસ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જાહેરમાં કંઈક તો વિચારીને બોલ’: રિઝવાન વિશે આવું કોણે કેમ કહ્યું?

કરાચીઃ પાકિસ્તાનને આઇસીસી ઇવેન્ટનું 29 વર્ષે યજમાનપદ મળ્યું અને એ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ રિઝવાનની ટીમ પોતે જ નૉકઆઉટ રાઉન્ડ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ એટલે સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી પર ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાન તેમ જ સમગ્ર ટીમને ટિપ્પણીઓથી નિશાન બનાવવાની કોઈ તક નથી છોડવામાં આવતી અને તાજેતરમાં એવું જ બન્યું. રિઝવાનના અધકચરા અંગ્રેજી અને સમજી-વિચારીને બોલ્યા વગરના વિધાન બદલ એક ટીવી પ્રેઝન્ટરે તેની હાંસી ઉડાવી છે.

આ પણ વાંચો: જાણો, સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને સત્તાવાર રીતે કેવી રીતે બહાર કર્યું…

ભારત સામેના ઘોર પરાજય સાથે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં લીગ રાઉન્ડમાં જ રેસની બહાર ફેંકાઈ ગયેલી પાકિસ્તાનની ટીમના સુકાની રિઝવાનને સમટાઇમ્સ યુ વિન, ઑર યુ લર્ન’ તેમ જ સમટાઇમ્સ ઇટ્સ ક્રૅમ્પ, સમટાઇમ્સ ઇટ્સ ઍક્ટિંગ’ એવું બોલવાની આદત છે. તબિશ હાશમી નામના ટીવી પ્રેઝન્ટરે એક વીડિયોમાં ભૂતપૂર્વ ખેલાડીઓ મોહમ્મદ આમિર, શેહઝાદ એહમદ અને રાશિદ લતીફ સાથેની ચર્ચા દરમ્યાન કૅપ્ટન રિઝવાન વિશે એવું કહ્યું હતું કેતે દેશના પચીસ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે હંમેશાં એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણા દેશનો પ્રતિનિધિ જાહેરમાં સારી રીતે બોલે, સારો દેખાય, સમજી વિચારીને વિધાનો આપે તેમ જ પ્રામાણિકપણે નિર્ભય થઈને રમે. હું આપણા કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને જ્યારે પણ પ્રેસ કૉન્ફરન્સમાં જોઉં છું ત્યારે તેણે ઇંગ્લિશમાં જ બોલવું જોઈએ એવું ક્યારેય નથી ઇચ્છતો. તે ભલે ઉર્દૂમાં બોલે, પરંતુ તેણે સમજી વિચારીને જ બોલવું જોઈએ.’

આ પણ વાંચો: એક જાણીતા ક્રિકેટરે કરી આગાહી, `મારો અંતરાત્મા કહે છે કે ભારત એક રનથી ફાઇનલ જીતશે અને રોહિત ટૉપ-સ્કોરર બનશે’

તબિશ હાશમીએ રિઝવાનની હાંસી ઉડાવતા એવું પણ કહ્યું હતું કે `આ શું! ક્યારેક તમે જીતો અને ક્યારેક ભૂલ પરથી શીખો. ક્યારેક શરીરના સ્નાયુઓમાં કળતર થાય અને ક્યારેક ઍક્ટિંગ હોય છે.’

ટીવી પ્રેઝન્ટર તબિશે આવું કહ્યું એટલે આમિર હસવાનું રોકી શક્યો હતો, પણ લતીફ હસી પડ્યો હતો. શેહઝાદ અહમદ તો તબિશની મિમીક્રી સાંભળીને ખડખડાટ હસી પડ્યો હતો.

પાકિસ્તાનમાં આ ટીવી પ્રેઝન્ટર ખૂબ ટ્રૉલ થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button