હૅઝલવૂડે બે કિવી પ્લેયરની 100મી મૅચનું સેલિબ્રેશન બગાડ્યું
ક્રાઇસ્ટચર્ચ: કેન વિલિયમસન અને ટિમ સાઉધી અહીં શુક્રવારે કરીઅરની 100મી ટેસ્ટ રમવા મેદાન પર ઊતર્યા ત્યારે તેમનું બહુમાન કરાયું હતું અને હજારો પ્રેક્ષકોએ તાળીઓથી તેમને અભિનંદન આપ્યા હતા.
જોકે શ્રેણીની બીજી ટેસ્ટમાં તેમનું એ સેલિબ્રેશન થોડી જ વારમાં ઉદાસીનતામાં ફેરવાઈ ગયું હતું, કારણકે ઑસ્ટ્રેલિયાએ કિવીઓની ટીમને બૅટિંગ આપ્યા બાદ તેમને માત્ર 162 રનમાં ઑલઆઉટ કરી દીધા હતા. ખુદ વિલિયમસન 17 રને આઉટ થયો હતો અને કૅપ્ટન સાઉધીએ પોતાના 26મા રને વિકેટ ગુમાવી હતી. ખરેખર તો જૉશ હૅઝલવૂડે કુલ પાંચ વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડની બાજી બગાડી હતી. તેણે વિલિયમસન, ટૉમ લૅથમ, રાચિન રવીન્દ્ર, ડેરિલ મિચલ અને મૅટ હેન્રીને આઉટ કર્યા હતા. ત્રણ વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. એક પણ કિવી બૅટર 40 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો.
રમતના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાની સ્થિતિ પણ બહુ સારી નહોતી. તેમણે 124 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. માર્નસ લાબુશેન 45 રને રમી રહ્યો હતો. ચારમાંથી ત્રણ વિકેટ મૅટ હેન્રીને મળી હતી. ઑસ્ટ્રેલિયા બે મૅચની સિરીઝમાં 1-0થી આગળ છે.