શું વિરાટ કોહલીએ પ્રાઇવેટ જેટ વિમાન ખરીદી લીધું છે?
નવી દિલ્હી: વિરાટ કોહલી ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા શર્મા સાથે થોડા સમય પહેલાં પ્રાઇવેટ ઍરોપ્લેનમાં બેસીને વેસ્ટ ઈન્ડિઝથી ભારત પાછો આવ્યો હતો એ સમયની ઍરપોર્ટ ખાતેની તેની તસવીર હમણાં વાઈરલ થઈ છે. કોહલીએ આ અગાઉ પણ અનુષ્કા સાથે પ્રાઇવેટ જેટ વિમાન સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી જેને કારણે તેમના ચાહકોમાં એવી ચર્ચા છે કે કોહલી અને અનુષ્કાએ ભેગા થઈને એક પ્રાઇવેટ જેટ પ્લેન ખરીદી લીધું છે. વિરાટ કોહલી અને અનુષ્કાનું લંડનમાં નિવાસસ્થાન હોવાનું મનાય છે. એ તેમનું સેકન્ડ-હોમ જેવું છે અને તેઓ સપરિવાર વર્ષ દરમ્યાન બે-ત્રણ વખત લંડન જતા હોય છે.
કોહલીએ તાજેતરમાં એક ફોટો મીડિયામાં શૅર કર્યો હતો જેની કેપ્શનમાં તેણે આ ઍરક્રાફ્ટ બદલ ઍર ચાર્ટર સર્વિસ નામની કંપનીનો તેમ જ પાઇલટ અબુ પટેલનો આભાર માન્યો હતો. એના પરથી ફેન્સને વધુ શંકા થઈ છે કે કોહલીએ આ વિમાન ખરીદી જ લીધું છે. વિરાટ કોહલી હાલના ક્રિકેટરોમાં સૌથી શ્રીમંત છે. તેની નેટવર્થ (સંપત્તિ) ₹ 1000 કરોડથી પણ વધુ છે એટલે તેના માટે ‘સેસ્ના 680 સાઇટેશન સૉવરિન’ નામનું ₹ 125 કરોડની કિંમતનું જેટ ઍરક્રાફ્ટ ખરીદવું કોઈ મોટી વાત નથી. ખરેખર તો કોહલી અને અનુષ્કા એક પ્રાઇવેટ જેટ વિમાનની માલિકી ધરાવતા હોવાની ચર્ચા થોડા વર્ષોથી ઈન્ટરનેટ પર થઈ રહી છે. 2019માં ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસેથી પાછા આવ્યા બાદ તેમણે રન-વે પાસે વિમાનની બાજુમાં ઊભા રહીને પોઝ આપ્યો હતો ત્યારે પણ કેટલાકને શંકા થઈ હતી કે તેમણે આ વિમાન ખરીદી લીધું છે.
Also read: ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…
2021માં કોહલીએ કોઈ જેટ વિમાન ખરીદી લીધું હોવાની વાત નકારી કાઢી હતી, પરંતુ ફરી એકવાર એ વિશેની અટકળ હાલમાં ચર્ચાઈ રહી છે. કોહલીના ચાહકોનો અમુક વર્ગ આ વિષયમાં તેની ટીકા પણ કરે છે. તેમનું કહેવું છે કે કોહલી એક તરફ પર્યાવરણની રક્ષાની વાતો કરે છે તેમ જ દર વર્ષે આઇપીએલમાં આરસીબીની એક મૅચમાં ઉત્સાહભેર ‘ગો ગ્રીન’ બેનર હેઠળ ગ્રીન ડ્રેસમાં રમતો જોવા મળે છે અને બીજી બાજુ પ્રાઇવેટ જેટ વિમાનની માલિકી ધરાવે છે.
કોહલી હંમેશાં પ્રદૂષણ-મુક્ત દિવાળીની ઉજવણીનો સંદેશ પણ આપતો હોય છે. એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ એક પ્રાઇવેટ જેટ વિમાન એક કલાકમાં બે મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકે છે. એક કમર્શિયલ ફ્લાઈટના એક પૅસેન્જર દીઠ જેટલું પ્રદૂષણ હવામાં ભળે એના કરતાં એક પ્રાઇવેટ જેટ વિમાનનું આ પ્રદૂષણ 14 ગણું કહેવાય.