ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ‘પાર્ટનર’ જ્યોર્જિનાને હવે ‘પત્ની’ બનાવી લીધી?

મૅડિરાઃ પોર્ટુગલના સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ અને પાર્ટનર જ્યોર્જિના રૉડ્રિગ્વેઝ સાથે લાંબા સમયની રિલેશનશિપ બાદ હવે લગ્ન કરી લીધા હોવાનું મનાય છે. જ્યોર્જિનાનો 27મી જાન્યુઆરીએ 31મો જન્મદિન હતો અને એ નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર હૃદયસ્પર્શી સંદેશ પોસ્ટ કર્યો એના પરથી રોનાલ્ડોના ચાહકોએ ધારણા બાંધી લીધી છે કે બન્નેએ મૅરેજ કરી લીધા છે.
રોનાલ્ડો-જ્યોર્જિના વચ્ચે સાડાઆઠ વર્ષથી રિલેશનશિપ છે. નવેમ્બર, 2017માં જ્યોર્જિનાએ રોનાલ્ડોથી થયેલી પ્રથમ બાળકીને જન્મ આપ્યો હતો. એપ્રિલ, 2022માં જ્યોર્જિનાએ ટ્વિન્સને જન્મ આપ્યો હતો જેમાંથી એક પુત્રી અને એક પુત્રી હતી. જોકે એમાંથી નવજાત પુત્રનું અવસાન થયું હતું.
રોનાલ્ડોને જ્યોર્જિનાની પહેલાં રશિયન મૉડેલ ઇરિના શાયક સાથે પાંચ વર્ષની રિલેશનશિપ હતી. રોનાલ્ડો 39 વર્ષનો છે. જ્યોર્જિના સાથે તેની ફ્રેન્ડશિપ થઈ એ પહેલાં તે ત્રણ બાળકોનો પિતા બન્યો હતો જેમાંથી ટ્વિન્સનો જન્મ સરોગસીથી થયો હતો.
આપણ વાંચો: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 917મો ગોલ, લક્ષ્યાંક 1000
જ્યોર્જિના આર્જેન્ટિનાની છે. જોકે તે સ્પેનનું નાગરિકત્વ પણ ધરાવે છે. તે મૉડેલ છે. તેના 31મા જન્મદિને રોનાલ્ડોએ સોશિયલ મીડિયામાં તેને શુભેચ્છા આપતો જે સંદેશ પોસ્ટ કર્યો એના પરથી અફવા ઊડી છે કે રોનાલ્ડો-જ્યોર્જિના હવે પતિ-પત્ની બની ગયા છે.
રોનાલ્ડોએ મૅસેજમાં લખ્યું છે, મારી આ શુભેચ્છા મમ્મી, પાર્ટનર, ફ્રેન્ડ અને મારી પત્ની માટે છે...હૅપી બર્થ-ડે લવ. તારા જીવનની રોશનીથી અમારા બધાની જિંદગીમાં પ્રકાશ છવાયેલો રહે છે અને અમારા દિલોદિમાગ પર તારો પ્રેમ છવાઈ ગયો છે.' રોનાલ્ડોએ આ સંદેશ સાથે હાર્ટનું ઇમોજી મૂક્યું છે.
આપણ વાંચો: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સોશિયલ મીડિયામાં ભારતીય ડૉક્ટરે ઊધડો લીધો! જાણો છો શા માટે?
રોનાલ્ડોએ આ શુભેચ્છા-સંદેશમાં
પત્ની’ શબ્દનો પ્રયોગ કર્યો એટલે તેના ચાહકો અને ફૉલોઅર્સમાં અટકળ શરૂ થઈ ગઈ છે કે રોનાલ્ડો હવે જ્યોર્જિના સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો છે. જોકે દંપતીએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી.
જ્યોર્જિનાએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે રોનાલ્ડો સાથે લગ્ન કરી લેવા આતુર છે.