ચૅમ્પિયન્સ લીગમાં હૅરી કેન અને ઑલિસે જિતાડીને બાયર્ન મ્યૂનિકની આબરૂ સાચવી
![Harry Kane and Olise scores a goal each in Bayern Munich's win over Celtic](/wp-content/uploads/2025/02/Harry-Kane-and-Olise-scores-a-goal-each-in-Bayern-Munichs-win-over-Celtic.webp)
મ્યૂનિકઃ યુરોપની સૌથી ફૂટબૉલ સ્પર્ધાઓમાં ગણાતી ચૅમ્પિયન્સ લીગમાં પ્લે-ઑફ રાઉન્ડ ચાલી રહ્યો હોવાથી હવે આ સ્પર્ધાની ચરમસીમા બહુ દૂર નથી અને એ સ્થિતિમાં હૅરી કેન અને માઇકલ ઑલિસે ચાર મિનિટમાં એક-એક ગોલ કરીને બાયર્ન મ્યૂનિકની ટીમને બુધવારે 2-1થી વિજય અપાવીને સ્પર્ધામાં ટકાવી રાખી હતી.
બાયર્ન મ્યૂનિકે સ્કૉટિશ ચૅમ્પિયન સેલ્ટિક સામે ભારે સંઘર્ષ સાથે વિજય મેળવ્યો હતો. ઑલિસે 45મી મિનિટમાં અને હૅરી કેને 49મી મિનિટમાં ગોલ કર્યો હતો. હાફ ટાઇમ વખતે બાયર્ન મ્યૂનિકની ટીમ 2-0થી આગળ હતી અને સેક્નડ હાફમાં સેલ્ટિકનો એકમાત્ર ખેલાડી ડેઇઝન માએડા ગોલ કરી શક્યો હતો અને એ ગોલ છેક 79મી મિનિટમાં થયો હતો જેને પગલે બાયર્ને 2-1થી રોમાંચક વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગનો ધમાકેદાર આરંભ, હૅરી કેને તોડ્યો વેઇન રૂનીનો રેકૉર્ડ
મંગળવારે રિયલ મૅડ્રિડે મૅન્ચેસ્ટર સિટીને થ્રિલરમાં 3-2થી હરાવીને પોતાની અનપેક્ષિત તાકાતનો પરચો કરાવી દીધો હતો.
દરમ્યાન ચૅમ્પિયન્સ લીગ જીતવાની એસી મિલાનની આશાને બુધવારે ધક્કો પહોંચ્યો હતો, કારણકે રૉટરડૅમમાં વરસાદના વિઘ્નવાળી મૅચમાં એનો ફેયનૂર્ડ સામે 0-1થી પરાજય થયો હતો. મૅચનો એકમાત્ર ગોલ ત્રીજી મિનિટમાં થયો હતો જે ફેયનૂર્ડના ઇગૉર પૅક્સાઓએ કર્યો હતો.
એસી મિલાનની જેમ ઍટલાન્ટા અને મૉનેકોની ટીમ પણ પ્લે-ઑફના પ્રથમ તબક્કાની મૅચ હારી ચૂકી છે. ચૅમ્પિયન્સ લીગના પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયેલી ટીમોમાં લિવરપૂલ, બાર્સેલોના, આર્સેનલ, ઇન્ટર મિલાન, ઍટલેટિકો મૅડ્રિડ, બાયર્ન લીવરકુસેન, લિલ તથા ઍસ્ટન વિલાનો સમાવેશ છે.