સ્પોર્ટસ

પુરુષ ક્રિકેટરોને પણ શરમાવે એવો હરમનપ્રીત કૌરનો અફલાતૂન વન-હૅન્ડેડ કૅચ!

વડોદરાઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની નવી મુંબઈ ખાતેની તાજેતરની ટી-20 સિરીઝ 2-1થી જીત્યા બાદ વડોદરામાં શ્રેણીની પ્રથમ વન-ડેમાં 211 રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવીને 1-0થી સરસાઈ મેળવી લીધી જેમાં ખાસ કરીને કૅપ્ટન હરમનપ્રીત કૌરે આ વન-ડેમાં જે કૅચ ઝીલ્યો એની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મીડિયા વૉર હવે હદ વટાવી રહી છે…

રવિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝની 11મી ઓવર પેસ બોલર રેણુકા સિંહ ઠાકુરે કરી હતી. ઓવરના છેલ્લા બૉલમાં કૅરિબિયન બૅટર આલિયા એલીનનો હરમનપ્રીતે અફલાતૂન કૅચ પકડ્યો હતો. રેણુકાના બૉલને એલીન બિગ-શૉટમાં મિડ-ઑન પરથી બાઉન્ડરી લાઇન તરફ મોકલવાની પેરવીમાં હતી, પણ મિડ-ઑન પર ઊભેલી હરમનપ્રીતે ઊંચી છલાંગ લગાવીને એક હાથે શાનદાર કૅચ પકડી લીધો હતો. બૉલ ખૂબ ઝડપથી આવ્યો હતો, પણ હરમનપ્રીતે કોઈ ભૂલ નહોતી કરી. તેણે સંભવિત બાઉન્ડરીને કૅચમાં ફેરવી નાખી હતી.

વેસ્ટ ઇન્ડિઝે 26 રનના ટીમ-સ્કોર પર ત્યારે પાંચમી વિકેટ ગુમાવી હતી.

હરમનપ્રીતનો આ કૅચ જોઈને સૌ કોઈ તેના પર આફરીન થયા હતા. હરમનપ્રીત આ પહેલાં પણ કેટલાક શાનદાર કૅચ પકડી ચૂકી છે, પરંતુ આમાં તેણે ઍથ્લીટ જેવી ફિટનેસ બતાવી હતી. પુરુષ ક્રિકેટરોને પણ શરમાવે એવો શાનદાર કૅચ હરમનપ્રીતે પકડ્યો હતો.

હરમનપ્રીત વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝની છેલ્લી બે મૅચમાં નહોતી રમી અને આરામ કર્યા બાદ પૂરતી ફિટનેસ સાથે પાછી રમવા આવી હતી.

આ મૅચમાં ભારતે બૅટિંગ મળ્યા પછી સ્મૃતિ મંધાનાના 91 રનની મદદથી 50 ઓવરમાં નવ વિકેટે 314 રન બનાવ્યા હતા. કૅરિબિયન સ્પિનર ઝૈદા જેમ્સે 45 રનમાં પાંચ વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 315 રનના લક્ષ્યાંક સામે માત્ર 103 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ભારતે વન-ડેમાં પોતાના સૌથી મોટા 211 રનના માર્જિન સાથે જીત હાંસલ કરી હતી.

પેસ બોલર રેણુકા સિંહે 29 રનમાં પાંચ વિકેટ તથા સ્પિનર પ્રિયા મિશ્રાએ બાવીસ રનમાં બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IND VS WI: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એક કૅલેન્ડર યરમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ વિક્રમ હવે સ્મૃતિ મંધાનાના નામે છે. તેણે 2024ની સાલમાં 1,602 રન કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button