હરમનપ્રીતે રચ્યો ઇતિહાસ, ડબ્લ્યૂપીએલમાં ભારતની એવી પહેલી ખેલાડી બની જેણે…

નવી મુંબઈઃ હરમનપ્રીત કૌરે ભારતને મહિલા વન-ડેમાં પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર કૅપ્ટન તરીકે તો અપ્રતિમ ખ્યાતિ મેળવી જ છે, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં મુંબઈ ઇન્ડિયન્સને ત્રણમાંથી બે ટ્રોફી અપાવનાર સુકાની સાથે તેણે આ વખતની આ ભારતીય ટી-20 લીગમાં પ્રવેશ કર્યો છે અને હવે તેણે વધુ એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે.
ડબ્લ્યૂપીએલમાં 10 હાફ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી બનનાર મુંબઈ ઇન્ડિયન્સની હરમનપ્રીતે (Harmanpreet) મંગળવારે અહીં મંગળવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમની મૅચ દરમ્યાન ડબ્લ્યૂપીએલમાં 1,000 રન પૂરા કરનારી પ્રથમ ભારતીય પ્લેયર બની હતી. ઇંગ્લૅન્ડની નૅટ સિવર-બ્રન્ટે તેની અગાઉ આ સિદ્ધિ મેળવી હતી. યોગાનુયોગ નૅટ સિવર-બ્રન્ટ તેની જ ટીમની ખેલાડી છે.

આપણ વાચો: હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ! પૂર્વ ખેલાડીએ આવી સલાહ કેમ આપી
મુંબઈને ગુજરાત સામે જિતાડ્યું
મુંબઈ ઇન્ડિયન્સે હરમનપ્રીતને વર્તમાન ટૂર્નામેન્ટ પહેલાં 2.50 કરોડ રૂપિયામાં રીટેન કરી હતી. તેને મંગળવારે 1,000 રન પૂરા કરવા પંચાવન રનની જરૂર હતી, જ્યારે તેણે ગુજરાત જાયન્ટ્સ સામેની એ મૅચમાં અણનમ અને મૅચ-વિનિંગ 71 રન કર્યા હતા. તેણે એ 71 રન 43 બૉલમાં બે સિક્સર અને સાત ફોરની મદદથી કર્યા હતા. એશ્લેઇ ગાર્ડનરના નેતૃત્વમાં ગુજરાતે પાંચ વિકેટે 192 રન કર્યા બાદ મુંબઈએ 19.2 ઓવરમાં ત્રણ વિકેટે 193 રન બનાવીને આ ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી હતી. હરમનપ્રીતને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ડબ્લ્યૂપીએલના ઇતિહાસમાં કોના સૌથી વધુ રન?
(1) નૅટ સિવર-બ્રન્ટ (મુંબઈ): 31 મૅચમાં 1,101 રન
(2) હરમનપ્રીત કૌર (મુંબઈ): 30 મૅચમાં 1,016 રન
(3) મેગ લેનિંગ (દિલ્હી, યુપી): 29 મૅચમાં 996 રન
(4) એલીસ પેરી (બેંગલૂરુ): 25 મૅચમાં 972 રન
(5) શેફાલી વર્મા (દિલ્હી): 29 મૅચમાં 887 રન



