સ્પોર્ટસ

ક્રિકેટર હર્લીન દેઓલે વડા પ્રધાન મોદીને સ્કિનકેર અને ચહેરા પરના ગ્લો વિશે પૂછી લીધું!

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટને સૌપ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર હરમનપ્રીત કૌર અને તેની ટીમની ખેલાડીઓએ બુધવારે પાટનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સેશનમાં ખૂબ રસપ્રદ ચર્ચાની મોજ માણી,

બધા ખૂબ હસ્યાં અને પછી દેશના આ સર્વોચ્ચ વડા સાથે ભોજન પણ માણ્યું, પરંતુ ટીમની ખેલાડી હર્લીન દેઓલે (Harleen Deol) મોદી (Modi)ને એક સવાલ પૂછીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે આ સવાલ સાંભળીને બધા હસ્યા પણ હતા અને ખુદ મોદીએ સમજદારીપૂર્વકનો જવાબ આપીને સ્થિતિ વધુ હળવી બનાવી હતી.

દેશમાં અસંખ્ય લોકોને એક દાયકાથી મોદી જૅકેટનું ઘેલું લાગ્યું છે તેમ જ 75 વર્ષના મોદી સાહેબની ફિટનેસ તથા સ્વસ્થતાથી પણ દેશ-વિદેશમાં અનેક લોકો પ્રભાવિત થયા છે. જોકે નવાઈની વાત એ છે કે હર્લીનને તેમની સ્કિનકેર વિશે તેમ જ તેમના ચહેરા પરની ચમક વિશે પૂછી લેવાનું મન થયું અને તેણે પૂછી પણ લીધું!

આપણ વાચો: સ્પોર્ટ્સવુમનઃ વર્લ્ડ કપ ટ્રોફી ઘરઆંગણે આવી ગઈ છે, હવે તો પહેલી વખત જીતી જ લો

એવરગ્રીન અને પ્રસન્નચિત પીએમ મોદીને મળવા ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓ બુધવારે તેમના નિવાસસ્થાને આવી હતી. મોદીએ ખેલાડીઓની દૃઢતા, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિની ભરપૂર પ્રશંસા કરી હતી અને ખાસ તો તેમણે લીગ રાઉન્ડમાં ઉપરાઉપરી ત્રણ મૅચમાં પરાજય જોયા પછી પણ સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી અને છેવટે ટાઇટલ જીતી લીધું એ બદલ તેમના ખૂબ વખાણ કર્યાં હતાં.

હર્લીન દેઓલે મોદીના ચહેરા પરના ગ્લોનો ઉલ્લેખ કર્યો અને તેમના સ્કિનકેર વિશે વિગતો જાણવા સવાલ પૂછ્યો ત્યારે હૉલમાં ઉપસ્થિત બધા હસી પડ્યા હતા.

વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓ સાથે પીએમ મોદીની આ હળવી વાતચીતનો કાર્યક્રમ હતો અને એમાં નિખાલસતાથી પૂછવામાં આવેલા આ થોડા અંગત સવાલ પર મોદીએ જવાબમાં હસતાં એટલું જ કહ્યું કે ` મેં એ વિશે ખાસ કંઈ વિચાર્યું જ નથી.’

સ્પિન-ઑલરાઉન્ડર સ્નેહ રાણાએ કરોડો દેશવાસીઓના પ્રેમ અને સ્નેહ થકી મોદીનું જે વિશાળ વ્યક્તિત્વ આકાર પામ્યું છે એ વિશે તેમને પૂછ્યું ત્યારે મોદીએ કહ્યું, ` હાસ્તો, આપણા વિશાળ દેશમાંથી લોકો તરફથી પ્રેમના રૂપમાં મને પ્રચંડ ઊર્જા મળી રહી છે. મેં સરકારમાં ઘણા વર્ષો વીતાવ્યા છે. લોકો તરફથી મને આશીર્વાદ અને શુભેચ્છા મળતા જ રહ્યા છે એની જ આ અસર છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button