અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપ 2023ની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો સામનો કરી રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં હાર્દિક પંડ્યાએ લીધેલી બીજી વિકેટની સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.
સોશ્યલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે એવો શું મંત્ર ફૂંક્યો કે પંડ્યાએ ઇમામની વિકેટ લેવામાં સફળતા મળી હતી? પાકિસ્તાન સામે ચાલી રહેલી ઇન્ડિયન ટીમના આક્રમક બોલર હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને પેવેલિયન મોકલ્યો હતો. ઈમામે 38 બોલમાં 36 રન બનાવ્યા હતા અને તેનો કેચ કેએલ રાહુલે પકડ્યો હતો.
જોકે, પાકિસ્તાનને પહેલો ઝટકો સિરાજે આપ્યો હતો. અબ્દુલ્લા શફીકને મોહમ્મદ સિરાજે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અબ્દુલ્લાએ 20 રન બનાવ્યા હતા. આ અગાઉ અબ્દુલ્લાએ શ્રીલંકા સામે 113 રન બનાવ્યા હતા.
મહોમદ સિરાજે બાબર આઝમની વિકેટ ઝડપી હતી, જેમાં તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. 30 ઓવરમાં ત્રણ વિકેટે પાકિસ્તાને 156 રન કર્યા છે., જેમાં બે વખત પાકિસ્તાનને જીવનદાન મળ્યું છે. અહીંની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને ટીમોની નજર સતત ત્રીજી જીત પર છે.