સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા પહેલા જયજયકારની પ્રાર્થના માટે ક્યાં પહોંચી ગયો?

મુંબઈ: ક્યારેક એવી ગંભીર, કટોકટીની કે મુસીબતમાંથી બહાર આવવા કોઈ આશાનું કિરણ નજરે ન પડતું હોય એ સ્થિતિમાં માણસ ઈશ્વરને શરણે જઈને શુભ અને સારા દિવસોની માગણી કરતો હોય છે, પછી ભલે એ માણસ ગરીબ હોય કે ધનકુબેરનો ભંડાર ધરાવતો હોય. ગરીબને પૈસાની ઝંખના હોય છે અને સમૃદ્ધ માણસ પુષ્કળ પૈસા હોવા છતાં ગંભીર સમસ્યા કે ગૂંચવણમાંથી બહાર આવવા અથવા ગુમાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા આકાશ-પાતાળ એક કરતો હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીને મુસીબતના સમયકાળ દરમ્યાન ઈશ્વરની કૃપા ખૂબ ફળી છે. પાંચ-પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમ આ વખતે પહેલી ત્રણેય મૅચ હારી ચૂકી છે અને એના નવા સુકાની હાર્દિક પંડ્યાને માથે તો અસંખ્ય ક્રિકેટપ્રેમીઓના પ્રચંડ વિરોધનું સંકટ આવી પડ્યું છે.


અમદાવાદ હોય કે હૈદરાબાદ કે પછી હોમ-ટાઉન મુંબઈ, એમઆઇએ પરાજય જ જોયો છે અને કૅપ્ટન હાર્દિકનો ત્રણેય જગ્યાએ હુરિયો બોલાવવામાં આવ્યો છે.


હાલના સંકટના આ સમયે મુંબઈની ટીમ 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે છે. એની આગામી મૅચ રવિવારે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામે છે.


મુંબઈની ટીમનો કૅપ્ટન હાર્દિક શુક્રવારે પ્રભાસ પાટણમાં સોમનાથના મંદિરે પ્રાર્થના કરી રહેલો એક વિડિયોમાં જોવા મળ્યો હતો. સોમવારે રાજસ્થાન સામે રમાયેલી મૅચ પછી દિલ્હી સામેની મૅચ દરમ્યાન લાંબો બ્રેક હોવાથી હાર્દિક સોમનાથદાદાની કૃપા મેળવવા પહોંચી ગયો હતો.

હાર્દિકે 2015માં મુંબઈની ટીમ વતી રમીને જ આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 2021ની સાલ સુધી તે મુંબઈની ટીમમાં હતો. 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમમાં કૅપ્ટન તરીકે જોડાયો હતો અને એને ડેબ્યૂના વર્ષમાં જ ટાઇટલ અપાવ્યું હતું અને 2023માં રનર-અપનું ટાઇટલ અપાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button