મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલની 17મી સીઝનમાં ભલે ‘હંમેશની જેમ’ શરૂઆતમાં પરાજયના પાઠ ભણી રહી હોય, પણ એનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અત્યારે ટૉક ઑફ ધ ટાઉન છે. ‘કૂંગ ફુ પંડ્યા’ તરીકે ઓળખાતા આ વડોદરાવાસીને ખાસ તો તેના એક સમયના કેટલાક ચાહકો અને બીજા કેટલાક તોફાનીઓ એક પછી એક કિક મારી રહ્યા છે, પણ હવે તો હદ થઈ ગઈ.
તેણે ગુજરાત ટાઇટન્સ ટીમ અચાનક છોડી એટલે ગુજરાતના ક્રિકેટલવર્સ નારાજ થઈ ગયા અને ઓચિંતો મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં તેણે પગપેસારો કરતા રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી પાછી લઈને તેને સોંપવામાં આવી એટલે રોહિતના ફૅન્સ ખફા છે અને પહેલા અમદાવાદમાં અને પછી હૈદરાબાદની મૅચ દરમ્યાન હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો ત્યાં સુધી વાત અટકી નહોતી. સોમવારે તો હાઇટ આવી ગઈ. ક્રિકેટની માર્કેટમાં એવી વાત ફેલાઈ કે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ તથા સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ હવે મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સી સામે ચાલીને છોડી દીધી છે અથવા છોડવી પડી છે અને રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સના નેતૃત્વની જવાબદારી પાછી સોંપાઈ છે.
પહેલી એપ્રિલ હોવાથી કોઈએ ટીખળ કરવાના હેતુથી જ આ વાત ઉપજાવીને વાઇરલ કરી હશે જેમાં ત્યાં સુધી જણાવાયું કે રોહિત સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રાજસ્થાન રૉયલ્સ સામે રમાનારી મૅચથી જ કૅપ્ટન્સીના સૂત્રો સંભાળી લેશે.
હાર્દિકના નામે ચાલી રહેલી અટકળમાં કોઈ તથ્ય હતું જ નહીં એ તો સમજાઈ જ ગયું હતું, પરંતુ મોડી બપોરે મળેલા ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક જ મુંબઈનો કૅપ્ટન છે અને વાનખેડેમાં તે જ સુકાન સંભાળશે. રવિવારે એવી અટકળ ફેલાઈ હતી કે વાનખેડેમાં સોમવારની મૅચ દરમ્યાન જો કોઈ પ્રેક્ષક સ્ટેડિયમમાં હાર્દિકનો વિરોધ કરતો દેખાશે કે જો કોઈ હાર્દિકને ટ્રૉલ કરશે તો તેને સ્ટેડિયમની બહાર કાઢી મૂકવામાં આવશે.
જોકે મુંબઈ ક્રિકેટ અસોસિએશન દ્વારા તરત જ ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો કે તેઓ હંમેશાં બીસીસીઆઇની માર્ગરેખાઓનું જ પાલન કરે છે અને પ્રેક્ષકો સામે આવા કોઈ પગલાં લેવા સંબંધમાં સત્તાવાર રીતે કોઈ જ નિર્દેશ બહાર નથી પાડવામાં આવ્યો.
‘એપ્રિલ ફૂલ’નો દિવસ હોવાથી આવી બધી અટકળ ફેલાય એ સ્વાભાવિક છે. જોકે હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટનું બહુમૂલ્ય રત્ન છે એ તેનો વિરોધ કરનારાઓને યાદ હશે જ. તેણે ભારતને અનેક મૅચો જિતાડી છે અને આઇપીએલમાંના તેને લગતા વિવાદની તેના વ્યક્તિત્વ કે કરીઅર પર કોઈ માઠી અસર નહીં થાય એવી આશા રાખીએ.