GTમાંથી હાર્દિકની એક્ઝિટ વિશે શમી બોલ્યો, ‘Kisiko farak nahi padta’
અમદાવાદ: હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પાકા મિત્રો છે અને 2022 અને 2023માં તેમની દોસ્તીએ રંગ રાખ્યો હતો. 2022માં ગુજરાત ટાઇટન્સ (જીટી)ને હાર્દિકે પોતાની કૅપ્ટન્સીમાં ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી અપાવી હતી અને એ સીઝનમાં શમીની 20 વિકેટ જીટીના બોલરોમાં સૌથી વધુ હતી. 2023માં જીટી રનર-અપ બની અને એમાં પણ શમીએ પરચો બતાવ્યો હતો અને બધા બોલરોમાં તેની 28 વિકેટ હાઇએસ્ટ હતી. જોકે 2024ની આઇપીએલ પહેલાં જ બંને પ્લેયર એકમેકથી અલગ પડી ગયા છે.
હાર્દિકે જીટી છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં કમબૅક કર્યું છે અને એનો કૅપ્ટન બની ગયો છે, જ્યારે શમી જીટી સાથે જ છે. જીટીએ તેને 2022માં 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે વાત એવી છે કે હાર્દિકે જીટી છોડી દીધી એ વિશે ગુરુવારે શમી પાસે એક પત્રકારે પ્રતિક્રિયા માગી હતી. શમીએ જાણે થોડા શબ્દોમાં જ ઘણું કહી દીધું હતું. તેણે કહ્યું, ‘કિસી કે જાને સે કિસી કો ફરક નહીં પડતા.’
શમીનું એવું કહેવું હતું કે ‘ટીમનું બૅલેન્સ કેવું છે એ વધુ મહત્ત્વનું છે. હાર્દિક જ્યારે ટીમમાં હતો ત્યારે તેણે કૅપ્ટન્સી બહુ સારી રીતે સંભાળી હતી. બંને સીઝનમાં તે ટીમને ફાઇનલમાં લઈ ગયો જેમાંથી એક સીઝનમાં અમે ટાઇટલ જીત્યા હતા. હા, જીટીએ હાર્દિકને કાયમ માટે સાઇન કર્યો નહોતો.
ટીમમાં રહેવું કે છોડી જવું એ એનો નિર્ણય લેવાનો તેને પૂરો હક હતો અને તેણે લીધો. હવે શુભમન ગિલને સુકાન સોંપાયું છે અને તે પણ સારો એવો અનુભવ મેળવશે. તે મન પર કદાચ ભાર અનુભવશે, પરંતુ ટીમના બાકીના ખેલાડીઓ મોટા ભાગે એના એ જ છે એટલે ગિલે ચિંતા કરવાની જરૂર નથી. કૅપ્ટને ટીમના ખેલાડીઓને બરાબર મૅનેજ કરવા પડે અને તેમનામાંથી શ્રેષ્ઠ ક્ષમતા બહાર લાવવી પડે. ટીમ છોડી જવા વિશે કહું તો એક દિવસ કદાચ ગિલ પણ ટીમ છોડી જશે. આવું તો રમતનો એક ભાગ કહેવાય. પ્લેયરો તો આવતા-જતા રહે.’