IPL 2024સ્પોર્ટસ

IPL 2024: હાર્દિક હૈ કી માનતે નહીં…. વારંવાર ભૂલ કરીને બીજાને દોષી ગણાવી રહ્યો છે

IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 24 રને પરાજય થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાને હારનું મુખ્ય કારણ પૂછવામાં આવ્યું તો તેણે ફરીથી એ જ વાત કહી જે તેણે આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત કહી હતી.

IPL 2024માં 11માંથી 8 મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે તેમને પ્લેઓફમાં પહોંચવા માટે કોઇ ચમત્કારની જ જરૂર પડશે. IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિકને આ મોટી જવાબદારી સોંપી હતી, પરંતુ તેનો પ્લાન સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે.


એક સમયે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સંપૂર્ણ કબજો હતો. તેણે KKRના 5 બેટ્સમેનોને માત્ર 57 રનમાં પેવેલિયન મોકલી દીધા હતા. પરંતુ આ પછી, હાર્દિકે મેચ પર હાવી થવાને બદલે સંરક્ષણાત્મક વલણ અપનાવ્યું અને કોલકાતાની વાપસીનો માર્ગ ખોલી નાખ્યો.


હાર્દિક બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યો નથી


IPL 2024ની શરૂઆતથી, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના સૌથી મોટા મેચ વિનર જસપ્રિત બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યો નથી. બુમરાહ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, પરંતુ હાર્દિક તેને એ સમયે બોલિંગ નથી આપી રહ્યો જ્યારે તે વિપક્ષી ટીમને આઉટ કરીને મેચમાં પૂરો કંટ્રોલ સ્થાપિત કરી શકે. ઉદાહરણ તરીકે MI vs KKR મેચ લો. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના અડધા બેટ્સમેન 57 રન પર પેવેલિયન પરત ફર્યા હતા. તે એવો સમય હતો કે જો બુમરાહ બોલીંગઆક્રમણમાં આવ્યો હોત, તો તેણે 1-2 વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સની જીતવાની રાહ આસાન કરી દીધી હોત, પરંતુ હાર્દિક પંડ્યાએ તેને છેલ્લી ઓવરો સુધી બચાવી રાખ્યો અને મેચને હાથમાંથી સરકી જવા દીધી હતી. છઠ્ઠી વિકેટ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવેલા મનીષ પાંડેએ વેંકટેશ પ્રસાદ સાથે 83 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.


જોકે, મેચ બાદ જ્યારે હાર્દિક પંડ્યાને હારનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે ટીમના બેટ્સમેનોને જ દોષિત ઠેરવ્યા હતા. તેણે એક પણ વાર કબૂલ કર્યું નહોતું કે બોલિંગ આપવામાં તેણે પોતે કોઈ ભૂલ કરી હતી. આ પ્રથમ વખત નથી. IPLની દરેક મેચમાં તેણે બોલિંગ આપવામાં ભૂલ કરી છે. એ વાત પણ સાચી છે કે મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે હાર્દિકે ઘણા ભૂલ ભરેલા નિર્ણયો લીધા છે, જેના કારણે વિરોધી ટીમ જીતી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button