
નવી દિલ્હીઃ World Cup 2023માં ટીમ ઈન્ડિયાનું પર્ફોર્મન્સ અત્યાર સુધી એકદમ શાનદાર, જાનદાર રહ્યું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા ચાર મેચ રમી ચૂકી છે અને ચારેય મેચમાં તેણે જીત હાંસિલ કરી છે. પરંતુ હાલમાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે 22મી ઓક્ટોબરના ન્યુઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યા નહીં રમે, કારણ કે તે બેંગ્લોરમાં સારવાર લઈ રહ્યો છે.
આ વિશે માહિતી આપતા બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાના ઘૂંટણના ભાગમાં જે ઈજા થઇ છે તેના માટે તે બેંગલુરુમાં સારવાર લઈ રહ્યો છે. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા આ બાબતે ઈંગ્લેન્ડના નિષ્ણાત ડૉક્ટરની સલાહ પણ લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પુણે ખાતે બાંગ્લાદેશ-ભારત વચ્ચે રમાયેલી મેચની નવમી ઓવર દરમિયાન ચોગ્ગો અટકાવવા જતાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તે મેદાન પર પાછો નહોતો ફર્યો. આવી પરિસ્થિતિમાં આજે હાર્દિકને લઈને આવેલી અપડેટે ક્રિકેટપ્રેમીઓ અને ટીમ ઈન્ડિયાનું દિલ તોડ્યું હતું. સાધનો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે હાલમાં હાર્દિક બેંગલુરુની એક હોસ્પિટલમાં તેની ઇન્જરી માટે સારવાર લઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિકને બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લઈ જવામાં આવશે જ્યાં ઈંગ્લેન્ડના નિષ્ણાત ડોક્ટર તેની સારવાર કરશે અને ત્યાર બાદ કદાચ તે 29મી ઓક્ટોબરના ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચ પહેલાં હાર્દિક નવાબોં કે શહેર લખનઉમાં ટીમ ઈન્ડિયાને જોઈન કરશે અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમતો જોવા મળશે. ગઈકાલની મેચ વિશે વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા 9મી ઓવર નાખી રહ્યો હતો એ સમયે ઓવરના ત્રીજા બોલમાં બેટ્સમેને ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો અને એને અટકાવવા જતા હાર્દિકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.