ભારતની ભૂંડી હાર બાદ ભડક્યો હરભજનસિંહ, કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને બરબાદ…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ઈડન ગાર્ડન્સ જેવી બોલરો માટે અનુકુળ પિચને “ટેસ્ટ ક્રિકેટ માટે વિનાશ” ગણાવીને કહ્યું હતું કે આ પ્રકારની સ્થિતિ ખેલાડીઓના વાસ્તવિક વિકાસમાં અવરોધ ઉભો કરે છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં 124 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારત 30 રનથી હારી ગયું અને મેચ ત્રણ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. હરભજને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, “તેઓએ ટેસ્ટ ક્રિકેટને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. ટેસ્ટ ક્રિકેટને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.”
તેમણે કહ્યું હતું કે, “જેમણે આ પ્રકારનું કામ કર્યું છે, જે રીતે પિચ આટલા વર્ષોથી બનાવવામાં આવી રહી છે હું તેને જોતો આવી રહ્યો છું. કોઈ વિશે વાત નથી કરતું કારણ કે જ્યારે ટીમ જીતી રહી હોય ત્યારે બધુ યોગ્ય લાગે છે. કોઈ વિકેટ ઝડપે છે અને કોઈ વિકેટ લઈને મહાન બની રહ્યું છે. આવી સ્થિતિમાં દરેકને લાગે છે કે બધું સારું થઈ રહ્યું છે. આ ટ્રેન્ડ તાજેતરમાં શરૂ થયો નથી. આ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને મને લાગે છે કે તે રમવાની ખોટી રીત છે.”
આપણ વાચો: ભારતને પ્રથમ ટેસ્ટની હારથી મોટું નુકસાન, સાઉથ આફ્રિકાને મોટો ફાયદો…
2001માં ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીત દરમિયાન આ મેદાન પર 13 વિકેટ લેનારા હરભજને કહ્યું કે આ મુદ્દાને સંબોધવાનો સમય આવી ગયો છે કારણ કે આવી પિચો ખેલાડીઓના વિકાસમાં ફાળો આપતી નથી. તેમણે કહ્યું હતું કે, “તમે કોઈપણ રીતે પ્રગતિ કરી રહ્યા નથી. તમે ફક્ત ઘંટી સાથે બાંધેલા બળદની જેમ ગોળ ગોળ ફરતા રહો છો. તમે જીતી રહ્યા છો, પરંતુ કોઈ વાસ્તવિક ફાયદો નથી. એક ક્રિકેટર તરીકે, તમે આગળ વધી રહ્યા નથી.”
ભારત માટે 103 ટેસ્ટમાં 417 વિકેટ લેનારા હરભજને કહ્યું હતું કે, “આવી પિચો તમને ક્યાં લઈ જઈ રહી છે તે વિચારવાનો સમય આવી ગયો છે. અહીં તમારા બેટ્સમેનોને રન કેવી રીતે બનાવવા તે ખબર નથી અને એવું લાગે છે કે તેઓ બિલકુલ બેટિંગ કેવી રીતે કરવી તે જાણતા નથી.”
આપણ વાચો: વર્લ્ડ ચૅમ્પિયનોનો ભારતમાં ઇતિહાસ ખરાબ છેઃ શુક્રવારથી પ્રથમ ટેસ્ટ
તેમણે કહ્યું હતું કે, “આવી સ્થિતિમાં સક્ષમ બોલર અને સક્ષમ બેટ્સમેન વચ્ચે શું તફાવત છે? પરિસ્થિતિઓ એટલી અનુકૂળ થઈ ગઈ છે કે લોકો કુશળતાને કારણે નહીં પણ પિચને કારણે આઉટ થઈ રહ્યા છે.
ટેસ્ટ ક્રિકેટ કેવી રીતે રમાઈ રહી છે તે જોઈને દુઃખ થાય છે. મને ખબર નથી કે આપણે આવું કેમ કરી રહ્યા છીએ.”નોંધનીય છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 22 નવેમ્બરે રમાશે.



