ગુકેશે કિંગનું મ્હોરું ફેંકીને અપમાન કરનાર નાકામુરાને હરાવ્યો અને ભારતની સભ્યતાની ઝલક બતાવી

સેન્ટ લુઇસ (અમેરિકા): આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના ચેસ ખેલાડી હિકારુ નાકામુરા (Nakamura)એ ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશને એક સ્પર્ધામાં હરાવ્યા બાદ (આયોજકો દ્વારા નક્કી કરાયેલી યોજના મુજબ) માત્ર મજાક ખાતર ચેસ બોર્ડ પરથી ગુકેશનું કિંગ (king)નું મ્હોરું ઉપાડીને પ્રેક્ષકોમાં ફેંકીને ગુકેશનું તેમ જ ચેસની મહાન રમતનું અપમાન કર્યું હતું એનો બદલો ગુકેશે (Gukesh) આ જ મહિનામાં તેને હરાવીને લઈ લીધો છે.

વિશ્વના ટોચના ચાર ચેસ ખેલાડીઓ વચ્ચેની ` ક્લચ ચેસઃ ચૅમ્પિયન્સ શૉડાઉન’ સ્પર્ધાના પ્રથમ દિવસે ગુકેશે મૂળ જાપાનના નાકામુરાને 1.5-0.5થી હરાવી દીધો હતો. નાકામુરા રૅપિડ ચેસમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી મનાય છે, પરંતુ ગુકેશે તેને પછડાટ આપી હતી. નાકામુરાએ ઑક્ટોબરની શરૂઆતમાં ગુકેશને હરાવીને સેલિબે્રશનનો અતિરેક કર્યો હતો, પણ ગુકેશે તેને હરાવ્યા પછી શાંતિથી જીત માણી હતી અને ભારતની સભ્યતાનો પુરાવો આપ્યો હતો.
આપણ વાચો: મળો કેરળના 61 વર્ષના ચેસ ખેલાડીને, વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશ સામે તેઓ હંમેશાં જીત્યા જ છે!
નાકામુરાએ અગાઉની સ્પર્ધામાં ગુકેશનું કિંગ ફેંક્યું હતું, પરંતુ ગુકેશે એવું સોમવારે એવું નહોતું કર્યું. એવું કરીને ગુકેશે વિનમ્રતાની સાથે પોતાની મહાનતાની ઝલક પણ આપી હતી.
ગુકેશ આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન સામે 0.5-1.5થી પરાજિત થયો હતો, પણ નાકામુરા ઉપરાંત ફૅબિયાનો કૅરુઆનાને 2-0થી હરાવીને સ્પર્ધાનો પ્રથમ દિવસ 4/6 પૉઇન્ટની સરસાઈ સાથે પૂરો કર્યો હતો. બીજો રાઉન્ડ ભારતીય સમય મુજબ મંગળવારે રાત્રે 11.30 વાગ્યે શરૂ થશે.



