મળો કેરળના 61 વર્ષના ચેસ ખેલાડીને, વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશ સામે તેઓ હંમેશાં જીત્યા જ છે!
કોચીઃ ચેન્નઈના ડી. ગુકેશે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન બનીને સમગ્ર જગતને ચોંકાવી દીધું છે. તે વિશ્વનાથન આનંદ પછી ભારતનો બીજો વિશ્વ વિજેતા તો છે જ, તે ચેસ જગતનો યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન પણ બન્યો છે. ગયા ગુરુવારે તેણે સિંગાપોરમાં ચીનના ડિન્ગ લિરેનને 7.5-6.5થી હરાવીને ચેસના શહેનશાહ તરીકેનો તાજ જીતી લીધો હતો. જોકે એક હકીકત એવી છે જે ચેસપ્રેમીઓને ચોંકાવી દેશે.
કેરળના અનિલકુમાર નામના ચેસ ખેલાડી 61 વર્ષના છે અને ભૂતકાળમાં તેઓ ડી. ગુકેશ સામે ત્રણ વાર રમ્યા હતા અને ત્રણેય વાર તેમણે ગુકેશને હરાવ્યો હતો.
સાત વખત કેરળ રાજ્યના ચૅમ્પિયન બની ચૂકેલા પૌઢ વયના અનિલકુમાર ચેસ વર્લ્ડમાં ઑટી' તરીકે ઓળખાય છે. તેઓ ઉત્તર કેરળના કોઝીકોડ શહેરના છે. 2015માં ગુકેશ માત્ર નવ વર્ષનો હતો અને અનિલકુમાર બાવન વર્ષના હતા. એ વર્ષમાં અનિલકુમારે ગુકેશને સતત ત્રીજી વખત હરાવ્યો હતો. અનિલકુમારે ગુકેશને ત્રણમાંથી એક વાર રાષ્ટ્રીય સ્પર્ધામાં પરાજિત કર્યો હતો. જોકે ત્યાર બાદ ગુકેશે પોતાની ગેમમાં સતત સુધારો કર્યો અને સફળતાની એક પછી એક સીડી ચડતો ગયો અને ગયા અઠવાડિયે ચેસના સર્વોત્તમ શિખર પર પહોંચી ગયો હતો.
અનિલકુમાર સામે 2015માં જ્યારે ગુકેશ ત્રીજી વાર હાર્યો હતો ત્યારે ગુકેશના પિતા રજનીકાંતે અનિલકુમારને એવું પણ કહ્યું હતું કે
મારો દીકરો તમને ક્યારેય હરાવી જ નથી શકતો.’
ગયા ગુરુવારે ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ સિંગાપોરની હોટેલના કૉરિડોરમાં પિતા રજનીકાંતને હર્ષના આંસુ સાથે ખૂબ ભેટ્યો એનો વીડિયો વાઇરલ થયો છે અને અનિલકુમાર એ વીડિયો જોઈને ખુશ થયા હતા. તેમણે બાળક' ગુકેશને ત્રણ વાર હરાવ્યો હતો, પરંતુ 18 વર્ષનો ટીનેજર ગુકેશ હવે ચેસ વિશ્વનો સરતાજ બન્યો એ જોઈને અનિલકુમાર ભાવુક થઈ ગયા અને
તે ખૂબ સારું રમ્યો. તે વિશ્વનો સૌથી યુવા ચૅમ્પિયન બન્યો એ અદભુત કહેવાય. ‘ એવું એક અહેવાલમાં તેમને કહેતા ટાંકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ ઘરે પરત ફર્યા પછી ચેસ અંગે શું જણાવ્યું, જાણો?
અનિલકુમાર 2006ની સાલમાં 43 વર્ષની ઉંમરે 2,316 ઇએલઓ રેટિંગના આંકડા પર પહોંચી ગયા હતા. યોગાનુયોગ, એ જ વર્ષ (2006)માં ગુકેશનો જન્મ થયો હતો.
ગુકેશે સાત વર્ષની ઉંમરે (2013માં) ચેસ રમવાનું શરૂ કર્યું હતું. ગુકેશ સામે અનિલકુમાર જ્યારે પહેલી વાર રમ્યા ત્યારે તેમના રેટિંગ 2,100 હતા, જ્યારે ગુકેશ એક પછી એક સ્પર્ધા જીતીને 2,000ના આંકડા પર પહોંચી ગયો હતો. 2017ની સાલ સુધીમાં ગુકેશે ઇએલઓ રેટિંગમાં અનિલકુમારના સર્વશ્રેષ્ઠ આંકડાને ઓળંગી લીધો હતો. હાલમાં ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન બની ગયો છે, પરંતુ ફિડે (ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન)ની રૅન્કિંગની યાદીમાં 2,783 પૉઇન્ટ સાથે પાંચમા નંબરે છે. નોર્વેનો મૅગ્નસ કાર્લસન (2,831) પ્રથમ નંબરે છે. ભારતનો અર્જુન એરીગૈસી 2,801 પૉઇન્ટ સાથે ગુકેશથી એક સ્થાન આગળ છે.
બાય ધ વે, અનિલકુમાર હજી પણ ચેસ રમે છે અને યુવા વર્ગને કોચિંગ પણ આપે છે.