રણજીમાં બોનસ પૉઇન્ટ સાથે ગુજરાત આટલા ઊંચા નંબર પર આવી ગયું…
મહારાષ્ટ્ર સામે બરોડાના વિકેટકીપર સિવાયના તમામ 10 બોલરે બોલિંગ કરી છતાં કંઈ ન વળ્યું
અમદાવાદઃ ગુજરાતે અહીં ચાર દિવસની રણજી મૅચમાં આજે ત્રીજા દિવસે ઉત્તરાખંડ સામે એક દાવ અને 28 રનથી વિજય મેળવ્યો હતો અને બોનસ પૉઇન્ટની મદદથી ગુજરાત એલીટ, ગ્રૂપ-બીમાં બીજા નંબર પર આવી ગયું હતું. ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
સિદ્ધાર્થની વિક્રમજનક નવ વિકેટને લીધે ઉત્તરાખંડની ટીમ પ્રથમ દાવમાં 111 રનમાં ઑલઆઉટ થયા બાદ ગુજરાતે 393 રન બનાવ્યા હતા અને આજે બીજા દાવમાં ઉત્તરાખંડની ટીમ શાશ્વત દંગવાલના 101 રન અને કૅપ્ટન રવિકુમાર સમર્થના 76 રન છતાં ફક્ત 254 રન બનાવી શકી હતી.
સિદ્ધાર્થે પ્રથમ દાવની નવ વિકેટ ઉપરાંત બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી અને એ સાથે તેની વિકેટોનો આંકડો 12 થયો હતો.
આપણ વાંચો: રોહિતનું રણજી ટ્રોફીમાં કમબૅક આટલા જ બૉલમાં સમેટાઈ ગયું, જુઓ કેટલા રનમાં આઉટ થયો…
ગુજરાતના જ રિન્કેશ વાઘેલા અને વિશાલ જયસ્વાલે પણ ઉત્તરાખંડના ત્રણ-ત્રણ બૅટરને આઉટ કર્યા હતા. ગુજરાતે એક દાવથી વિજય મેળવ્યો એ બદલ કુલ સાત પૉઇન્ટ મેળવ્યા હતા.
નાશિકમાં બરોડા સામે મહારાષ્ટ્રની ટીમ ખૂબ મજબૂત સ્થિતિમાં છે. ચાર દિવસની આ મૅચમાં આજે ત્રીજા દિવસની રમતને અંતે મહારાષ્ટ્રનો બીજા દાવનો સ્કોર સાત વિકેટે 464 રન હતો.
એમાં વિકેટકીપર સૌરભ નવાળે (126 અણનમ) રામક્રિષ્ન ઘોષ (99 રન) અને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (89 રન)ના સૌથી મોટા યોગદાન હતા. સૌથી રસપ્રદ વાત એ છે કે વિકેટકીપર મિતેશ પટેલને બાદ કરતા બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યા સહિત બાકીના તમામ 10 ખેલાડીએ બોલિંગ કરી હતી. એમાંથી છ બોલરને એકેય વિકેટ નહોતી મળી.
આપણ વાંચો: Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે
લુકમાન મેરિવાલા અને અતિત શેઠે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ દાવની 152 રનની લીડ ઉમેરતાં મહારાષ્ટ્રના કુલ 616 રન થયા છે અને રવિવારે મહારાષ્ટ્ર સીધો વિજય મેળવી શકે અથવા ડ્રૉ જતાં પ્રથમ દાવની સરસાઈને આધારે વધુ પૉઇન્ટ મેળવી શકે.
જયપુરમાં અક્ષય વાડકરના અણનમ 102 રન અને યશ રાઠોડના 98 રનની મદદથી વિદર્ભએ બીજા દાવમાં સાત વિકેટે 358 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવની રાજસ્થાનની 100 રનની લીડ બાદ કરતા વિદર્ભની ટીમ 258 રનથી આગળ હતી.