આ ખેડૂતની દીકરીએ કરી દીધી કમાલ, લદ્દાખના આ બન્ને શિખર સર કર્યા
જૂનાગઢઃ નાનું ગામ, ઘર પરિવારના સભ્યો ખેતીમાં વ્યસ્ત, પણ જેમને સિદ્ધિ મેળવવી હોય તેમને કોણ રોકી શકે. ગુજરાતના નાનાકડા ગામડાની એક છોકરીએ આ ફરી સાબિત કરી બતાવ્યું છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના સમઢીયાળાની ખેડૂતપુત્રી મોના સાવલીયાએ 8 દિવસમાં લેહ-લદ્દાખમાં આવેલા માઉન્ટ કાંગ યાત્સે-1 6401 મીટર (19,203 ફૂટ) અને માઉન્ટ કાંગ યાત્સે-2 6250 મીટર (18,750 ફૂટ) ઊંચાઇએ આવેલા બંને શિખર સર કરીને અનોખી સિદ્ધિ મેળવી છે.
આ યુવતીનું નામ છે મોના સાવલીયા. બીએસસીમાં અભ્યાસ કરતા સમયે અચાનક પર્વતારોહણ વિશે માહિતી મળી અને તેને રસ જાગ્યો. જોકે ઘરની આર્થિક સ્થિતિ એવી કે આ ઈચ્છા પૂરી થઈ શકશે કે કેમ તે અવઢવ મોનાને મુંઝવતી હતી. અંતે તેણે માતા-પિતાને વાત કરી ત્યારે માતા-પિતાએ પણ દીકરીને પાંખો આપી અને સપોર્ટ કર્યો.
આ પણ વાંચો: સાહસને કોઈ સીમા નથી હોતી
મોનાએ વધુમાં જણાવ્યું હતું કે પર્વતારોહણ શરૂ કર્યા પહેલાં ખડક ચઢાણની 10 દિવસ, એક વર્ષ પછી ક્લાઇન્ડિંગ તેમજ બેઝિક માઉન્ટિરિંગની જમ્મુ-કાશ્મીરમાં તાલીમ લીધી હતી.
અથાગ મહેનત પછી લેહ-લદ્દાખના માઉન્ટ કાંગ યાત્સે-1 6401 મીટર (19,203 ફૂટ) અને માઉન્ટ કાંગ યાત્સે-2 6250 મીટરના શિખર માત્ર 8 દિવસમાં સર કર્યા છે. મોનાની ટીમમાં સાત જણ હતા, જેમાંથી ત્રણ જણને આ સિદ્ધિ મળી છે. જોકે આ કંઈ અંત નથી, મોના માટે આ શરૂઆત છે. હવે તે હિમાલયના 14 શિખર સર કરવાની ઈચ્છા ધરાવે છે.