
નવી દિલ્હીઃ 2023ના વન-ડે વર્લ્ડ કપ વખતે પાકિસ્તાનની ટીમને ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પ્રવેશ આપવા બાબતમાં ભારત સરકાર દ્વારા બહુ જલદી નિર્ણય લઈ લીધા બાદ આ વખતે પાકિસ્તાનની હૉકી ટીમને ભારતમાં આવવા દેવા વિશેનો નિર્ણય લેવામાં ખાસ્સો સમય લાગ્યો જે સ્વાભાવિક છે, કારણકે હજી દોઢ મહિના પહેલાં બન્ને દેશ વચ્ચે ટૂંકો જંગ ખેલાયો હતો. ભારતના સશસ્ત્ર દળોએ આતંકવાદી મથકો પર અને હવાઈ મથકો પર જોરદાર હુમલા કરીને પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી દીધી હતી અને હવે ખેલભાવનાને ધ્યાનમાં રાખીને એ જ દુશ્મનદેશના હૉકી ખેલાડીઓને ભારતમાં રમવા આવવાની છૂટ આપી છે.
આવતા મહિને ભારતમાં હૉકી (Hockey)નો એશિયા કપ (Asia cup) રમાવાનો છે અને એ માટે ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય તેમ જ ખેલકૂદ મંત્રાલયે પાકિસ્તાનની હૉકી ટીમને ભારત આવવાની પરવાનગી આપી છે.
હૉકીનો એશિયા કપ ભારે સલામતી વચ્ચે બિહાર (Bihar)ના રાજગીરમાં રમાશે. આ સ્પર્ધા 27મી ઑગસ્ટે શરૂ થશે અને સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત સાથે રાજકીય સ્તરે અશાંતિ હોવાથી આ સ્પર્ધામાં પાકિસ્તાનના ભાગ લેવા વિશે શંકા સેવાતી હતી. જોકે ભારત સરકારના ટોચના અધિકારીઓએ જે ખુલાસો આપ્યો છે એ જોતાં પરિસ્થિતિ બદલાઈ છે.
આ પણ વાંચો: હૉકી ખેલાડીઓને મળશે મહિને 25,000 રૂપિયાનું ભથ્થુંઃ કેન્દ્ર સરકારનો નિર્ણય…
ભારતીય અધિકારીઓએ જાહેર કર્યું છે કે ` ભારતમાં કોઈ પણ રમતની બહુરાષ્ટ્રીય સ્પર્ધા યોજાય એમાં કોઈ દેશને રમવા આવવાની પરવાનગી ન આપવાનો ભારતનો અભિગમ છે જ નહીં. રાજકીય અને રાજદ્વારી સ્તરે બન્ને દેશ વચ્ચેના સંબંધોનો મુદ્દો અલગ કહેવાય, પણ ખેલકૂદના ક્ષેત્રે અમે કોઈ દેશને ભારત આવવા રોકતા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલે છે, પણ બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમની ટીમ ભાગ લેતી જ હોય છે.’
હૉકીના આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે અને ત્યાર બાદ વર્ષના અંત ભાગમાં રમાનારા જુનિયર હૉકી વર્લ્ડ કપમાં પણ બન્ને દેશની ટીમ સામસામે આવશે.
ખરું કહીએ તો ક્રિકેટની જેમ હૉકીમાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે આવે એ બધાના હિતમાં છે. જો બન્ને કટ્ટર દેશની ટીમ મેદાન પર સામસામે ટકરાય તો આખી દુનિયાનું એ મૅચ પર ધ્યાન રહે, કરોડો લોકો એ મૅચ જોવામાં રસ લે અને બ્રૉડકાસ્ટર્સને તેમ જ સ્પૉન્સર્સ તથા અન્ય ઍડવર્ટાઇઝરોને ધીકતી કમાણી થાય.