કેએલ રાહુલ લખનઊની ટીમ છોડશે કે રીટેન કરાશે? માલિક ગોયેન્કાએ મૌન તોડ્યું

લખનઊ: એક તરફ આઇપીએલની ટીમ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટીમનો મેન્ટર નિયુક્ત કર્યો છે ત્યાં બીજી તરફ કૅપ્ટન કે. એલ. રાહુલ પરની ચર્ચાએ વેગ પકડ્યો છે. એલએસજીના માલિક સંજીવ ગોયેન્કાએ કોલકાતાની એક પ્રેસ કૉન્ફરન્સમાં મોટી જાહેરાત કરી છે. પત્રકારોને તેમણે ટીમમાં કે. એલ. રાહુલનું ભાવિ કેવું છે એના પરના સવાલનો પણ જવાબ આપ્યો હતો.
2024ની સીઝનમાં એક મૅચમાંના પરાજય બાદ ગોયેન્કા કૅપ્ટન રાહુલ પર ખૂબ ચિડાઈ ગયા હોય એવો વીડિયો-ફોટો વાઇરલ થયા હતા ત્યારે જ લાગતું હતું કે હવે રાહુલ આ ટીમમાં વધુ રહેવાનું કદાચ પસંદ નહીં કરે.
આ પણ વાંચો: અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’
જોકે ગોયેન્કાએ પત્રકાર પરિષદમાં બધાને ચોંકાવતા કહ્યું, ‘અટકળો પર હું કોઈ પણ ટિપ્પણી કરવા નથી માગતો. કે. એલ. રાહુલ એલએસજી પરિવારનો મહત્ત્વનો અને અભિન્ન હિસ્સો છે.’
નવાઈની વાત એ છે કે વિકેટકીપર-બૅટર રાહુલની ગોયેન્કા સાથે કોલકાતામાં મુલાકાત થઈ એના એક દિવસ બાદ ગોયેન્કાએ પત્રકારો સમક્ષ આ પ્રતિક્રિયા આપી છે.
થોડા દિવસથી ચર્ચા છે કે 2025ની આઇપીએલ પહેલાં જે મેગા ઑક્શન યોજાવાનું છે એ પહેલાં જ એલએસજી પોતાની ટીમની કૅપ્ટન્સીમાં ફેરફાર કરશે અને રાહુલને કદાચ હરાજી માટે રિલીઝ કરી દેશે. જોકે ગોયેન્કાની પ્રતિક્રિયા સાથે હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે.
આ પણ વાંચો: કે. એલ. રાહુલ લખનઊની કૅપ્ટન્સી છોડી દેશે કે શું?
હવે જોવાનું એ છે કે રાહુલને એલએસજી રીટેન કરશે તો તેને કૅપ્ટનપદે પણ જાળવી રાખશે કે માત્ર ખેલાડી તરીકે જ ટીમમાં રખાશે.
એલએસજીએ 2022માં ડેબ્યૂ કર્યું હતું અને આ ટીમ સતત બે વર્ષ પ્લે-ઑફમાં પહોંચી હતી. જોકે 2024ની સીઝનમાં આ ટીમ છેક સાતમા નંબરે રહી હતી.
2022ની સીઝન પહેલાં એલએસજીએ રાહુલને 17 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. લખનઊ સાથે જોડાતાં પહેલાં રાહુલ કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તેમ જ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમી ચૂક્યો હતો. તેણે 2013માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.